ભરૂચ જિલ્લા કલેકટર ડો. તુષાર સુમેરોના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના પગલે ડેમમાં પાણીની આવક વધી જતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. એક ગણતરી મુજબ રાત્રીના 8 વાગ્યા સુધીમાં 14 લાખ ક્યુસેક પાણી છોડવામા આવશે. જેના પગલે ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના છે.
જિલ્લા કલેકટરે એમ પણ જણાવ્યુ હતુ કે ઉપસ્થિત પરિસ્થિતિ અંગે પહોંચી વળવા તંત્ર સજ્જ છે સાથે જ તેમણે લોકોને સાથ અનેં સહકાર આપવા અપીલ કરી છે. નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તો ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશે તેવી શક્યતા છે. ખાસ કરીને ફુરજા, ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયા બજાર જેવા નીચાણવાળા અને નદી કિનારા પાસેના વિસ્તારમાં પૂરના પાણી પ્રવેશે તેવી શક્યતા છે સાથે જ અંકલેશ્વર તાલુકાના સફરુદ્દીન સહિતના નદી કિનારા નજીકનાં ગામોમાં પણ પૂરના પાણી પ્રવેશી શકે તેવી શક્યતા છે તેમજ નદી કિનારે નહીં જવા અને સાવચેત રહેવા સૂચન કર્યું છે.