દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. માહિતી મુજબ, ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પ્રસરી છે. જોકે, સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા કોઈ જાનહાનિના સમાચાર નથી.
મીડિયા અહેવાલ મુજબ, દાહોદ ખાતે આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. જો કે, ટ્રેન ઊભી રહેતા મુસાફરો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આથી સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
ટ્રેનમાંથી ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ
ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની ઘટનાની માહિતી દાહોદ ફાયરબ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. માહિતી મુજબ, આ મેમુ ટ્રેન દાહોદથી આણંદ થઈ રહી હતી. ઘટના અંગે માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.