ભરૂચ જિલ્લા સ્થિત તમામ કિશોરીઓના ઉત્થાન માટે કાર્યરત અનેક સરકારી કચેરીઓ મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સુસંકલિત થઈને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા સૂચિત “કિશોરી ઉત્કર્ષ પહેલ” નો દ્વિતીય તબક્કો અંકલેશ્વર ખાતે પ્રાથમિકપણે શરૂ કરવા સારું વિવિધ સહભાગીઓ મુખ્યત્વે ઉક્ત લિખિત ત્રણેય સરકારી કચેરીઓ તથા ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન, ભારત કેર્સ (એસએમઇસી ટ્રસ્ટ) – અમલીકરણ સંસ્થા અને યુનિસેફ આ તમામના સંયુક્ત પ્રયાસ થકી જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ૫૯ ગામ સ્થિત સરકારી-અર્ધ સરકારી શાળાના શિક્ષકોની “માસ્ટર ટ્રેનર્સ” તરીકે પસંદગી કરીને સપ્ટેમ્બર ૧૧-૧૨, ૨૦૨૩ના રોજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને જૂના બોરભાઠા બેટ પ્રાથમિક શાળા, અંકલેશ્વર ખાતે આમંત્રિત કરીને “માસ્ટર ટ્રેનર્સ” માટે ૦૨ દિવસીય ગુણાત્મક તાલીમનું સુચારુ આયોજન કરીને સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરી હતી.
અંકલેશ્વર તાલુકાની શાળાએ જતી-ના જતી કિશોરીઓ સદર ૬૯ નિયુક્ત અને નિપુણ “માસ્ટર ટ્રેનર્સ”ના પ્રયત્ન થકી વ્યવસ્થિતપણે સક્ષમ અને સમાન બને તથા કિશોરીઓ થકી ન્યાયી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને જિલ્લા/રાજકીય/રાષ્ટ્રીય વિકાસમાં તેઓ મદદરૂપ નીવડે તે માટે “કિશોરી ઉત્કર્ષ પહેલ”માં આવરી લેનાર તમામ કિશોરીઓને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાન મળે એ મુખ્ય ઉદ્દેશ છે.
આ બે દિવસીય તાલીમમાં તમામ નિયુક્ત “માસ્ટર ટ્રેનર્સ”ને આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, માસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, ચોક્કસ અધિકારો, કિશોરીઓ સંબંધિત વિવિધ સરકારી યોજનાઓ, જીવન કૌશલ્યો, રોજિંદા જીવનમાં બાજરાનું મહત્વ અને નાણાંકીય સાક્ષરતા જેવા વિષયો પર અનેક નિષ્ણાતો મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભરૂચના અધિકારીઓ, યુનિસેફના પ્રતિનિધિ, કાપડિયા ક્લિનિકના સ્ત્રી ચિકિત્સક વગેરેને આમંત્રિત કરીને તથા ભારત કેર્સના મહિલા પ્રતિનિધિઓના સંકલન થકી ગુણાત્મક તાલીમ આપવામાં આવી હતી.
“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત નિયુક્ત થયેલ “માસ્ટર ટ્રેનર્સ”ની ભૂમિકા મધ્યવર્તી રહેશે જે આગામી દિવસોમાં અનેક શાળાદીઠ તાલીમ લેનાર શાળાએ જતી-ના જતી કિશોરીઓને કુલ ૦૬ મોડ્યુલ્સ પર ભારત કેર્સનાપ્રતિનિધિઓ સાથે સુસંકલિત થઈને કિશોરીઓને ગુણાત્મક તાલીમ આપશે. અંદાજિત ૦૪ મહિનાની કિશોરીઓની તાલીમ બાદ કિશોરીઓનું માઇક્રોઅને મેક્રોસ્તરનું મૂલ્યાંકન થશે અને ચયન પામેલ કિશોરીઓને અનુક્રમે “ગ્રામ અને તાલુકા જાગૃત કિશોરીઓ”નું બિરુદ આપી તેઓને સંસ્થાકીય રીતે જોડવાનો સહિયારો પ્રયાસ કરવામાં આવશે.
આ અંગે માસ્ટર ટ્રેનર ધ્વારા જણાવાયું હતું કે “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત આયોજિત “માસ્ટર ટ્રેનર્સ”ની તાલીમ દરમિયાન અમોને કુલ ૦૮ મોડ્યુલ્સ અંગેનું અધિક જ્ઞાન આમંત્રિત નિષ્ણાતોનો માધ્યમથી મળ્યું જે આગામી દિવસોમાં તાલીમ લેનાર કિશોરીઓમાં આ જ્ઞાનગંગાનો બહોળો સંચાર કરવામાં મદદરૂપ થશે.