મિશન “અંત્યોદય” ના સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓને સંતૃપ્ત કરવાના તેમજ વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતી વધારવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્યમાન ભવઃ અભિયાનને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા આજે તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૨:૦૦ કલાકે થી વર્ચુઅલ રીતે લોન્ચ કરવામાં આવશે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ ડો. આંબેડકર ભવન હોલ, ગાંધીચોક, રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ ની હાજરીમા આ વર્ચુઅલ લોન્ચીંગને જોવા માટે અભિયાનની માહિતીની જાણકારી માટે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
સાથેસાથે દરેક તાલુકા કક્ષાએ, હેલ્થ એંન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ પણ કુલ ૨૦૫ જગ્યાએ આ વર્ચુઅલ લોન્ચીંગને જોવા માટે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આયુષ્યમાન ભવ: મુખ્યત્વે ત્રણ ઘટકો સાથેનું એક છત્ર અભિયાન છે. આયુષ્યમાન આપકે દ્રાર ૩.૦ જેમાં પી.એમ.જે.એ.વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડના વિતરણ માટે ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ઝુંબેશ સ્વરુપે કાર્યવાહી કરી આપણા જિલ્લામાં એક પણ લાયક લાભાર્થી બાકી ન રહે તેની ખાતરી કરી કાર્ડ ની નોંધણી કરવામા આવશે. આયુષ્યમાન મેળા અભિયાન જેમાં દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્ય મેળા ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી દર શનિવારે સાપ્તાહિક આરોગ્ય મેળા યોજાશે. તેમજ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ રાજપીપલા, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગરુડેશ્વર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા , સામુહિક આરોગ્ય કેંદ્ર તિલક્વાડા, સામુહિક આરોગ્ય કેંદ્ર સાગબારા, ખાતે તબીબી કેમ્પ- સ્ત્રીરોગ, બાળરોગ, ઇએનટી, આંખ અને મનોરોગ નિષ્ણાંતો દ્વારા સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મેડિકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે દર
ગુરુવારે તબીબી કેમ્પો યોજવામાં આવશે. આયુષ્યમાન સભા ગામમાં ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજથી ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની સભા (ગ્રામ સભા) અને વિવિધ આરોગ્ય સંભાળ વિશે જાગૃતી વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ/શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્યમાન સભા યોજાશે.
૧૦૦ ટકા આયુષ્માન કાર્ડનુ વિતરણ, ૧૦૦ ટકા આભા કાર્ડ બનાવવા, ૩૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનુ બીન સંચારી રોગો જેવા કે હાઈપરટેન્શન અને ડાયાબિટીશ માટે સ્ક્રિનીંગ/તપાસ, ટીબીના દર્દીઓની ઓળખ અને સારવાર, સિકલસેલ રોગની તપાસ (૦ થી ૪૦ વર્ષ) અને કાર્ડ વિતરણ કરનાર ગામ/શહેરી વોર્ડને “આયુષ્યમાન ગ્રામ પંચાયત અથવા આયુષ્યમાન અર્બન વોર્ડ” જાહેર કરવામાં આવશે.
આયુષ્યમાન ભવ ઝુંબેશ હેઠળ ઉપરોક્ત તમામ પ્રવ્રુતીઓ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ સુધી “ સેવા પખવાડા” તરીકે ઉજવાશે તેમજ આ પ્રવૃતીઓ આગળ પણ ચાલુ રેહશે. આ ઉપરાંત ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩દરમિયાન ગ્રામિણ અને શહેરી વિસ્તારોના તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર ૧. સ્વચ્છતા અભિયાન, ૨. ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઇવ, અને ૩. તાલુકા કક્ષાએ રક્તદાન શિબીર પણ યોજવામાં આવશે.
રાષ્ટ્રપતિ મહામહિમ દ્રોપદી મુર્મુ ધ્વારા ૯ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ જેના એક વર્ષ પુર્ણ થતા દરેક જિલ્લામાં તાલુકા, ગ્રામ્ય લેવલે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવાનું આયોજન કરવા જણાવેલ છે. જે મુજબ ૯ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ટીબી મુક્ત ગ્રામ પંચાયતને અનુલક્ષીને ૪ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વર્ષ-૨૦૨૨ માં ૧૦૦૦ ની વસ્તીએ ૫ થી વધુ કેસો મળેલ હોય તેવા નર્મદા જિલ્લાના કુલ ૪૭ ગામમોમાં ધનિષ્ટ ટીબી એકટીવ કેસ ફાઇન્ડીંગ કેમ્પેઇન પણ હાલ ચાલુ છે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, નર્મદા (રાજપીપલા)ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.