ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ઠાસરા તાલુકાના જાખેડ ગામે ઈલેશભાઈ ભુલાભાઈ પટેલ (રહે.ઢુણાદરા) ના ખેતરમાં આવેલ ઓરડી નજીકના કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ સ્થળેથી એક એક્ટીવા મળી આવ્યું હતું. મરણજનાર યુવાન કલ્પેશભાઈ જયંતિભાઈ મકવાણા (ખ્રિસ્તી) (ઉ.વ.૩૩, રહે.મુળ નડિયાદ અને હાલ ડાકોર સ્વાગત હોમ્સ મકાન નં. સી ૧૦૪) હોવાની હકીકત મળી આવતાં પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. મૃતક કલ્પેશભાઈના પરિવારમાં એક વિધવા માતા અને એક નાની બહેન સાથે ડાકોર ખાતે રહેતા હતા. અને કલ્પેશભાઈ રેલવેમા નોકરી કરતો હતો કલ્પેશભાઈ પોતે અપરીણત છે અને ગત ૧૦ મી સપ્ટેમ્બરના રોજ એક્ટીવા લઈને નોકરીએ ગયા હતા. અને તે દિવસની રાત્રે તેઓ ઘરે આવ્યા અને કલ્પેશભાઈએ નાની બહેન કૃતિકાને જણાવ્યું કે હું બહાર જાવ છું અને પરત આવીશ ત્યારે નોકરી જવા મને સવારે ચાર વાગ્યે જગાડજે તેમ કહી ઘરેથી એક્ટીવા લઈને નીકળેલા હતા.
બીજા દિવસ સવાર સુધી તેઓ ઘરે આવ્યા નહોતા. તેથી પરિવારજનોને થયું કે તેઓ નોકરીએ જતાં રહ્યા હશે. ગઇ કાલે બપોરના કલ્પેશભાઈનો મૃતદેહ જાખેડ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડી પાસેના કુવા પાસેથી મળી આવતાં આ બાબતે મરણજનારની બહેન કૃતિકા દોડી આવી હતી. જ્યાં ઓરડીમાં આગળના ભાગે લોહી પણ હતુ અને એક લોહીવાળો ડંડો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત મૃતકના સેન્ડલ પણ હતા જેથી અહીંયા ચોક્કસ હાથાપાઈ થઈ હોવાની શંકા જતાં ડાકોર પોલીસે કૃતિકાબેનની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ