વાગરાના પખાજણ જોલવા રસ્તા પર જીઇબી ચોકડીની આજુબાજુમાં સરકારી જમીન પર રસ્તાની ગટરને પુરાણ કરી દબાણને મુદ્દે કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા થઇ હતી. જેના પગલે ભરૂચ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવા માટે દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ PWD વિભાગના અધિકારીએ જી.ઇ.બી ચોકડી ખાતે આવી દબાણકર્તાઓને સૂચના આપી હતી કે જો આવતી કાલ સુધીમાં આ દબાણ સ્વયંભૂ નહીં હટાવવામાં આવે તો આવતી કાલે JCB મશીનની મદદ વડે તમામ દબાણો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે આજે 11 સપ્ટેમ્બરને સોમવારના રોજ માર્ગની બાજુમાં દબાણ કરેલ કેબિન ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવામાં જોતરાઈ ગયા હતાં. વાગરા વિસ્તારના કેટલાક ધંધાર્થી નવયુવાનો, ગરીબ મહિલાઓ વગેરે પોતાની રોજી રોટી માટે રોડથી થોડેક દૂર કેબિન ગોઠવી અને ખાણીપીણીનો સામાન વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. તેવામાં ગત તારીખ ૯ મી ઓગસ્ટના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતું કે રસ્તાની ગટરો ઉપર પુરાણ કરી પાણી અટકાવી દેવાને લઈને કેબિનો દિન ૭’ માં ખસેડી લેવા સૂચના અપાઈ હતી. જેના પગલે કેટલાક કેબિન ધારકોએ નોટિસ મળતાજ પોતાની કેબિનો ક્રેઇનની મદદથી હટાવી હતી. તેમજ તેમાં મૂકેલો માલ સમાન કાઢી પતરાં, થાંભલા, એંગલો સ્વયંભુ ખસેડી લઈ અને જગ્યા ખુલ્લી કરવામાં જોતરાઈ ગયા હતા. જેઓની રોજી રોટી છીનવાઇ જતાં કેટલાક કેબિન માલિકો નિરાશ થઈ રડી રહ્યાં હતાં.
અત્રે નોંધનીય એ છે કે ઔદ્યોગિક હબ ગણાતો વાગરા એ તાલુકાનું મુખ્ય મથક છે. વાગરા તાલુકામાં ૪ જી.આઇ.ડી.સી આવેલી છે. જેમાં નાના મોટા સેંકડો ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેને લઈ અહીંયા ઘણા લોકો રોજીરોટી માટે સ્થાયી થયા છે. જી.ઇ.બી ચોકડી એ વાગરા દહેજને જોડતો માર્ગ હોવાથી અહીંયાથી દિવસ દરમિયાન સેકંડો વાહનો પસાર થાય છે. સતત વાહનોથી ધમધમતો માર્ગ હોવાથી વાગરાની જી.ઇ.બી ચોકડી ખાતે રોજીરોટી માટે કેટલાક લોકોએ ચા, નાસ્તો, હોટલ, જનરલ સ્ટોર, ઓટો ગેરેજ સહિત ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી ધંધો કરી રહ્યા હતા. અચાનક તેઓની રોજીરોટી છીનવાઈ જતા ધંધાર્થીઓના માથે જાણે આભ તૂટી પડ્યું છે. વર્ષોથી રોજીરોટી મેળવતા ધંધાર્થીઓ ચિંતિત બન્યા છે. માર્ગ અને મકાન વિભાગની નોટિસને લઈ પંથકમાં રોડની સાઈડમાં દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરી જાવા પામી છે.
વાગરા : જી.ઇ.બી ચોકડી પાસે દબાણરૂપ કેબિનો સંચાલકોએ સ્વયંભૂ દૂર કર્યા
Advertisement