ભરૂચ જૈન મહાસંઘ દ્વારા આગામી તા.12 થી 21 દરમ્યાન પર્યુષણના મહાપવિત્ર પર્વ દરમિયાન શહેરના તમામ કતલખાનાને બંધ રાખવા માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જૈન મહાસંઘના પ્રમુખ શાંતિ શ્રોફ સહિતના આગેવાનો દ્વારા આગામી તા.12 થી 21 દરમ્યાન પર્યુષણના મહાપવિત્ર પર્વ નિમિત્તે શહેરના તમામ કતલખાનાને બંધ રાખવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, જૈન ધર્મના 24 માં તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ વિશ્વને ઉપદેશ રૂપે સંદેશો આપ્યો હતો કે વિશ્વના તમામ નાના-મોટા જીવોને ‘જીવો અને જીવવા દો’ અને તમામ જીવો પ્રત્યે દયા અને કરુણા દાખવી અને અહિંસાનું પાલન કરી જીવ દયા પાળવી. આમ અહિંસા પરમોધર્મના સિદ્ધાંતને અનુસરીને પર્યુષણના મહા પવિત્ર પર્વ દરમ્યાન શહેર અને જિલ્લાના તમામ કતલખાનાને બંધ રાખવા માટે જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર આપવા સહિત વિનંતી કરવામાં આવી હતી. સાથે જણાવ્યું હતું કે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પર્યુષણ મહાપર્વ દરમ્યાન શહેર અને જિલ્લાના તમામ કતલખાનાને બંધ રાખવામાં આવે.