સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતા યુવકનો ચહેરો દાઝ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં વધુ ઈજા થઈ ન હતી. આગને પગલે નીચે ઊભેલા યુવકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો. મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો. એ દરમિયાન જ યુવકનો ચહેરો દાઝી ગયો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં યુવાનો ગોવિંદા રે ગીત પર મોજ-મસ્તી કરી રહ્યા છે. એ દરમિયાન કેટલાક યુવકો પિરામિડ આકારમાં એક પર એક ઊભા રહીને એક યુવક આગથી સ્ટંટ કરી રહ્યો છે. યુવકે આગની જ્વાળા સળગાવતાં તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો. યુવકે હાથમાં રહેલું જ્વેલનશીલ પદાર્થ ફેંકીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય કેટલાક નીચે ઊભેલા યુવકોએ પણ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી.