ભુગૃઋુષિની પાવનધરા પર મેઘરાજાના મેળાનો પ્રારંભ થયો છે. 250 વર્ષ ઉપરાંતથી ભરાતાં ભાતીગળ મેળો ભોઇ ( જાદવ) સમાજના લોકો માટે ઘણું મહત્વ ધરાવે છે. દિવાસાની રાત્રિએ ભોઇ સમાજના યુવાન નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવે છે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે. દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે. સાતમ, આઠમ, છડીનોમ અને મેઘરાજાના ઉત્સવને અનુલક્ષી લોકોમાં થનગનાટ જોવા મળ્યો છે. સાતમ, જન્માષ્ટમી, છડી નોમ, મેઘરાજા ઉત્સવ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશો જારી કરવામાં આવ્યા છે.
મેઘરાજાનો મેળો ભોઇ ( જાદવ) સમાજના લોકો માટે અદકેરૂ મહત્વ ધરાવે છે. મેઘરાજાના મેળા પહેલાં ભોઇવાડમાં આવેલાં ઘોઘારાવના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થઇ ચૂકયાં છે. મેઘરાજાના મેળા પહેલાં રાજયભરમાં વસતાં ભોઇ સમાજના લોકો ભરૂચ આવી જતાં હોય છે અને ખાસ કરીને યુવક અને યુવતીઓ ભરૂચમાં ધામા નાખતાં હોય છે. ભોઇવાડમાં જયારે વાલ્મિકી, ખારવા અને ભોઇ સમાજની છડીઓનું મિલન થાય છે તેની સાથે ભોઇ સમાજના યુવા હૈયાઓના પણ મિલન થતાં હોય છે. 250 વર્ષથી યોજાતાં આ મેળામાં પરિચય થયા બાદ ભોઇ સમાજના અનેક યુવક અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાઇને જીવનની નવી ઇનિંગ્સનો પ્રારંભ કરતાં હોય છે.
મેઘરાજા અને છડીનોમનો મેળાનું અમારા સમાજમાં અનેરૂ મહત્વ છે. અમારા સમાજના 10 થી 12 હજારથી વધુની વસ્તી છે. જે પૈકીના કેટલાંક લોકો રાજ્યમાં, દેશમાં અને વિદેશમાં પણ ધંધા-રોજગાર માટે અલગ અલગ સ્થળે જઇ સ્થાયી થયાં છે. જોકે, આ તહેવારમાં અમારા સમાજના લોકો ગમે ત્યાં હોય પણ તેઓ ભરૂચ આવી જતાં હોય છે. સામાજિક રીતે પણ આ તહેવાર મહત્વનો હોય છે. જેમાં મેળામાં યુવક-યુવતીઓને જોઇને તેમના સગપણ પણ કરી દેવામાં આવે છે.
ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લાં 250 વર્ષથી યોજાતાં શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના મેળાનો પ્રારંભ, જનમેદની ઉમટી
Advertisement