નેશનલ ટીબી એલિમીનેશન પ્રોગ્રામ અંતર્ગત ન્યુઅર ઇનિશિયેટીવ અપડેટ્સ જેવા કે, ડિફરન્સીયટેડ ટીબી કેર, સારવાર પુર્ણ થયા બાદની ફોલોઅપ, ફેમિલી કેર ગીવર મોડલ, ડેથ ઓડિટ ફોર્મ ભરવા અંગે અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, આરબીએસકે મેડીકલ ઓફિસર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર, સી.એચ.ઓ, લેબોરેટરી ટેકનિશીયન, ફાર્માસિષ્ટ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ, ડીસ્ટ્રીક્ટ ન્યુક્લીયસ મેડીકલ ઓફિસ ડો.ગીતાંજલી બોહરા, ડો.નુપર ચોરસીયા, મહેન્દ્ર પરમાર, વર્લ્ડ હેલ્થ પાર્ટનરના પ્રતિનીધી ડો.કેતન કિકાણી અને હેતલ પટેલ દ્વારા એન.ટી.ઇ.પી નવીનિકરણની તાલીમ આપવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યુ હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી ફ્રિ ગ્રામ પંચાયત કરવા માટેના જરૂરી માપદંડોની સમજ આપીને કામગીરી કરવા માટે સમજ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોય તો ટીબી હોય શકે છે. આ ઉપરાંત ગળફામાં લોહી આવવું, સાંજના સમયે તાવ આવવો, રાત્રિનાં સમયે પરસેવો થવો, વજન ધટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો હોય તો ટીબી હોઇ શકે છે.
બાળકોમાં વજન ધટવું અથવા વજનમાં વધારો ન થવો, બે અઠવાડિયા કે વધુ સમયથી ખાંસી અથવા તાવ, ગળાનાં ભાગે નાની નાની ગાંઠો થવી, ભૂખ ન લાગવી હોય તો ટીબી હોઇ શકે છે. ટીબીનો રોગ વાળ અને નખ સિવાય શરીરનાં તમામ ભાગમાં થઇ શકે છે. ટીબી રોગ અટકાવવા માટે છીંક અથવાં ખાંસી આવે ત્યારે મોં ઉપર રૂમાલ રાખવો, ગળફો ગમે ત્યાં ન થૂંકવો. શક્ય બને તેટલુ વહેલુ નિદાન કરાવવું અને સમતોલ આહાર લેવો ખુબ જરૂરી છે.
વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના તમામ સરકારી દવાખાનાઓમાં ટીબીની મફત સારવાર કરવામાં આવે છે. તેમ વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ.