નડિયાદના ઉત્તરસંડા ગામે ચરોતર મેડિકલ રીલીફ સોસાયટી હોસ્પિટલના ટ્રસ્ટીને કારમાં આવેલા નાગા બાવા અને અન્ય એકે ટ્રસ્ટીને સરનામું પુછવા નજીક બોલાવ્યા અને પહેરેલ સોનાની ચેઈન તેમજ વીંટી લઈને પલાયન થઈ ગયા છે. આ બનાવ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે નવરંગ સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષિય વિજયકુમાર ગોરધનભાઈ પટેલ પોતે ઉત્તરસંડામાં ચરોતર મેડિકલ રીલીફ સોસાયટી હોસ્પિટલના ટ્રસ્ટી છે. સવારે સ્કુટર પર ઉપરોક્ત હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા. ગામમાં એક સ્ટોર્સ પાસે એક સફેદ કલરની નંબર વગરની ગાડી ઉભી હતી. જેમાં બેઠેલા બે લોકો એ ઇશારો કરીને વિજયકુમાર ને પોતાની પાસે બોલાવ્યો હતો. વિજયભાઈ નજીક ગયા તો એક નાગાબાવા સાધુ જેવો વેશ ધારણ કરી બેઠો હતો. અને અન્ય એક કાર ચાલક હતો અને આ બંને લોકોએ ઉત્તરસંડા સ્વામિનારાયણ મંદિરનું સરનામું પૂછેલું હતું.
અને આ લોકોએ કહ્યું કે અમે અજાણ્યા છે માટે તમારું વાહન લઈને આગળ રહો અમે તમારી પાછળ આવીએ છે. જે બાદ આ રીતે ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર જવા નીકળ્યા હતા. રસ્તામાં કહ્યું કે અમારે સંતરામ મંદિર નડિયાદ જવાનું છે માટે તમે નડિયાદ તરફનો રસ્તો બતાવો. એમ કહી ઉત્તરસંડા ગામના હીરાવાડી જવાના રસ્તા બાજુએથી વિજયકુમારના વાહનને ઓવરટેક કરી ઉપરોક્ત કારે વિજયભાઈને નજીક બોલાવ્યા હતા. ત્યારબાદ વિજયભાઈ કાર નજીક ગયા ત્યારે કારમાં બેઠેલા નાગાબાવા સાધુ જેવા વેશ ધારણ કરેલા શખ્સે બંને હાથ પકડી હાથ મિલાવી ગળામાં પહેરેલ સોનાની રુદ્રાક્ષની ડબલ હેરવાળી ચેન તેમજ બંને હાથે પહેરેલ ત્રણ સોનાની વીંટીઓ જોવા માટે માગી હતી અને વિજયભાઈએ આ તમામ વસ્તુ ઉતારીને આપતા કારમાં બેઠેલા નાગાબાવા જેવા સાધુનો વેશ ધારણ કરેલ શખ્સ એકાએક આંખના પલકારામાં ત્યાંથી પલાયન થઈ ગયો વિજયકુમાર પીછો કરવા ગયા છતાં પણ તેઓ ક્યાંક ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે વિજયભાઈ પટેલે ચકલાસી પોલીસમાં બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કુલ સવાલાખની કિંમતના દાગીના ગયા હોવાનું જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ