અમદાવાદ પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પીસીબીની ટીમે વસ્ત્રાપુરમાં આવેલા ન્યૂયોર્ક ટાવરની એક ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા 19 શખ્સને ઝડપી પાડ્યા હતા. સાથે જ સ્થળ પરથી રોકડ, જુગારનું સાહિત્ય, રૂપિયા ગણવાની મશીન, વાહન, મોબાઇલ મળી કુલ રૂ. 46 લાખથી વધુનો મુદ્દમાલ પણ જપ્ત કર્યો હતો. માહિતી છે કે ધરપકડ થયેલા શખ્સોમાં સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકી પણ સામેલ હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મીડિયા અહેવાલ અનુસાર, અમદાવાદ પીસીબી ટીમને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુરમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં નવમાં માળે આવેલી 93 નંબરની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યું છે. આથી બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા 19 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ જુગારધામ બુકી ધવલ ઉંઝા ચલાવતો હતો.
જ્યારે ઝડપાયેલા જુગારીઓમાં સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકી પણ સામેલ હતો. તમામ આરોપીઓને પીસીબીની ટીમે વસ્ત્રાપુર પોલીસને સોંપ્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીની ટીમે બાતમી સ્થળ પરથી રોકડ, જુગારનું સાહિત્ય, રૂપિયા ગણવાની મશીન, વાહન, મોબાઇલ મળી કુલ રૂ. 46 લાખથી વધુનો મુદ્દમાલ પણ જપ્ત કર્યો હતો.