અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપી નબીરા તથ્ય પટેલે પોતાની મોંઘીદાટ કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 યુવકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કેસમાં હાલ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાં બંધ છે અને કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. માહિતી મુજબ, આ કેસમાં પોલીસે તથ્ય સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુના નોંધ્યા છે. જ્યારે લોકોને બંદુક બતાવી ધમકી આપવા બદલ અને તથ્યને અકસ્માત સ્થળેથી લઇ જવા બદલ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા છે. તેમના વકીલે આજે કોર્ટમાં વકીલાતપત્ર દાખલ કર્યું હતું.
મોબાઇલ અને ગાડી પરત મેળવવા અરજી
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ સેશન્સ કમિટ થઈ ચૂક્યો છે અને કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. આજે આરોપીઓના વકીલોએ કોર્ટમાં વકીલાત પત્ર દાખલ કર્યું હતું. પ્રજ્ઞેશ પટેલ વતી સોમનાથ વત્સ અને તથ્ય પટેલ વતી ઝીલ શાહે વકીલાત પત્ર દાખલ કર્યું હતું. બીજી તરફ સરકાર પક્ષે તમામ દસ્તાવેજી પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એવી પણ માહિતી છે કે, આરોપીઓના વકીલે મોબાઇલ અને ગાડી પરત મેળવવા અરજી કરી છે.
આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે
સેશન્સ કોર્ટમાં આગામી સમયમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા અને ત્યાર પછી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ કેસમાં આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે હાથ ધરાશે. અગાઉ તથ્ય પટેલે ઘરના ટિફિન અને જેલ લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માંગ કરી હતી. આ માંગને જેલ મેન્યુઅલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે.