AMC દ્વારા અમદાવાદમાં 1 લી સપ્ટેમ્બરથી સ્ટ્રે એનિમલ કંટ્રોલ પોલિસી લાગુ કરવામાં આવશે. આ માટે AMC કમિશનર એમ. થેન્નારસને ફરી એક પરિપત્ર બહાર પાડીને તમામ ઝોન અને વોર્ડ વિભાગોને શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાનો આદેશ આપ્યો છે. અમદાવાદમાં રખડતા ઢોરોને કારણે થતા ગંભીર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો તેમ જ રખડતા ઢોર દ્વારા વારંવાર થતા હુમલાથી નાગરિકોને ક્યારેક ગંભીર ઇજાઓ તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્રની સ્થાયી સમિતિ દ્વારા સ્ટ્રે કેટલ કંટ્રોલ પોલિસી બનાવવામાં આવી હતી.
AMC કમિશનર દ્વારા જારી કરાયેલા નિર્દેશોનો CNCD, એસ્ટેટ, સોલિડ વેસ્ટ અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના વિવિધ વિભાગો દ્વારા અમલ કરવામાં આવશે, ખરું ને? એવો પ્રશ્ન લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યો છે. જો AMC કમિશનર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને આદેશોનો સંપૂર્ણ અમલ થાય તો અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા નહીં રહે.
અગાઉના પરિપત્રોનો 50 ટકા પણ અમલ થયો નથી
ઉલ્લેખનીય છે કે, રખડતા પશુ નિયંત્રણ નીતિના અમલ માટે અગાઉ બહાર પાડવામાં આવેલા પરિપત્રોનો 50 ટકા પણ અમલ થયો નથી. હાઈકોર્ટના કડક પગલાને પગલે, AMC દ્વારા શહેર વ્યાપી કામગીરીમાં દરરોજ 100 જેટલા ઢોર પકડવામાં આવતા હતા. પરંતુ, હવે સમગ્ર અમદાવાદમાંથી 25 ઢોર પણ પકડાતા નથી. હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રનો CNCD સહિતના વિભાગો અને અધિકારીઓ કેટલો અમલ કરે છે.