ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. તાજેતરમાં યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગમાં ઉત્તરવહી અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હવે યુનિવર્સિટીએ આવા કૌભાંડો ઉજાગર ના થાય તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીમાં હવેથી જે ફેકલ્ટીની પરીક્ષા લેવાઈ હશે તેને જ ઉત્તરવહી ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબદારી સોંપાશે. આ પહેલાં પેપરના સ્ટ્રોંગ રૂમની જવાબદારી અન્ય વિભાગને સોંપવામાં આવતી હતી. જેથી યુનિવર્સિટીમાં ઉત્તરવહી ગાયબ થવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
તાજેતરમાં ઉત્તરવહી ગુમ થયા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ખુલાસો કરાયો હતો કે, વિદ્યાર્થીઓ દ્વારા એજન્ટને પેપર અને પુરવણી પર કોઈ ચોક્કસ નિશાની આપવામાં આવતી હતી. ત્યાર બાદ રાત્રે વિદ્યાર્થીઓને ભેગા કરીને પેપર લખાવાતા હતાં અને વહેલી સવારે તમામ પુરવણીનું નંબરિંગ થાય તે પહેલાં જ એસેસમેન્ટ વિભાગમાં જમા કરાવી દેવાતી હતી. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પાસેથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમ એક પેપર દીઠ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, પરીક્ષા બાદ કેમ્પસમાં જ બધી ઉત્તરવહીઓ રાખવામાં આવતી હતી. તેની જવાબદારી પણ યુનિવર્સિટીના ફેકલ્ટી અને કો.ઓર્ડિનેટરને સોંપાતી હતી. હવેથી કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે યુનિવર્સિટીમાં હવેથી જે ફેકલ્ટીની પરીક્ષા લેવાઈ હશે તેને જ ઉત્તરવહી ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબદારી સોંપાશે.