અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. શહેરમાં ડ્રગ્સનો વેપલો ફૂલ્યો ફાલ્યો હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત નશાના ધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી કોકેઈનનો ગેરકાયદે વેપાર ચલાવતા બે ઈસમો તથા કોકેઈન ડ્રગ્સની ડિલીવરી આપવા આવનાર વિદેશી મહિલાને ચાર લાખથી વધુની કિંમતના 50.750 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવીને નશીલા પદાર્થોનું વેચાણ કરતાં ઈસમોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેમાં ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ભુદરપુરા ચાર રસ્તાથી રેડિયો મિર્ચી તરફ જતા રોડ ઉપર આવેલ બંગ્લા પાસે જાહેર રોડ ઉપરથી આરોપીઓ શાલીન શાહ, આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલ અને આફ્રિકન મહિલા અસીમુલ ઉર્ફે કેલી જેમ્સ રીચેલને કોકેન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી શાલીન શાહ તથા આદિત્ય પટેલ તથા તેઓના મિત્ર વર્તુળના વ્યક્તિઓ છેલ્લા ચાર વર્ષથી મહિનામાં એકથી બે વાર કોકેન પાર્ટી કરવા અલગ-અલગ જગ્યાએ ભેગા થાય છે. જેમાં તમામ લોકો કોકોન ડ્રગ્સનો નશો કરે છે. પકડાયેલ આરોપીઓ રૂપીયા લઈ પાર્ટીમા આવનારને કોકેન ડ્રગ્સ આપે છે. આદિત્ય શાહ મુંબઈ ખાતે રહેતા સિલ્વેસ્ટરને ડ્રગ્સનો ઓર્ડર આપતો અને સિલ્વેસ્ટર મુંબઇથી કોઇ પેડલર મારફતે કોકેન અમદાવાદ ડ્રગ્સ પહોંચાડતો. આદિત્ય શાહ ચાર વર્ષ આગાઉ તેના એક મિત્ર મારફતે યુગાન્ડાના સિલ્વેસ્ટરના સંપર્કમા આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી દર મહિને એક અથવા બે વાર તેની પાસેથી ડ્રગ્સ મંગાવતો અને પાર્ટીમા અલગ અલગ લોકોને રૂપીયા લઈ કોકેન આપતો હતો.
આરોપીઓ પાસેથી કબજે કરવામા આવેલ કોકેન ડ્રગ્સનો જથ્થો આરોપી શાલીન શાહ તથા આદિત્ય પટેલએ મુંબઈ ખાતે રહેતા સિલ્વેસ્ટર પાસેથી મંગાવેલ છે. જે કોકેન આપવા માટે યુગાન્ડાની મહિલા અસીમુલ રીચેલ અમદાવાદ ખાતે આવેલ અને આરોપીઓ આદિત્ય પટેલની કાર લઇ વિદેશી મહિલા પાસેથી ડ્રગ્સની ડીલેવરી મેળવવા કારમાં બેસેલ દરમ્યાન ક્રાઈમ બ્રાચની ટીમે તમામની ધરપકડ કરેલ છે. યુગાન્ડાની મહિલા અસીમુલ રીચેલનો સીલ્વેસ્ટર સંપર્ક કરી તેના અન્ય એક સાથી લિવીંગસ્ટો મારફતે અસીમુલ રીચેલને મુંબઈ ખાતે ડ્રગ્સ પહોચાડતો ત્યાર બાદ તે મહિલા ડ્રગ્સ લઈ આમદાવાદ આવી ડ્રગ્સની ડીલીવરી કરી રોકડા રૂપીયા લિવીંગસ્ટોનને આપતી, જેમા મહિલાને એક ડ્રગ્સની ટ્રીપ મારવાના 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.