વડોદરામાં 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રાજકોટના કર્મકાંડી બ્રાહ્ણણ પાસેથી રૂ. 70 લાખ લઈને છૂમંતર થઈ જનારી ઠગ ટોળકીના બે સાગરીતને કરજણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા શિવાલય ફ્લેટમાં રહેતા સુનિલભાઇ જોષીનો સંપર્ક અનિલ પટેલ, તેમની કારના ડ્રાઇવર, વેકરીયાભાઇ અને અન્ય એક કારના ડ્રાઇવર સાથે થયો હતો. આ ઠગ ટોળકીએ સુનિલભાઈને શોર્ટ ટાઇમમાં વધુ નાણા કમાવાની લાલચ આપી હતી. તેમણે સુનિલભાઈને 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. પહેલાના અમુક વ્યવહારમાં પૈસા ચૂકવીને સુનિલ જોષીનો વિશ્વાસ પણ જીત્યો હતો.
ત્યારબાદ સુનિલભાઈએ વધુ પૈસા કમાવવાની લાલચમાં જમીન, મકાન અને અન્ય મૂડી મળી રૂ. 35 લાખ અને બાકીના રૂપિયા 35 લાખ પરિચિતો પાસેથી લઈ કુલ રૂ. 70 લાખ ઠગ ટોળકીને આપ્યા હતા. જો કે, પૈસા લઈ ઠગ ટોળકી છૂમંતર થઈ ગઈ હતી. આ મામલે છેતરપિંડીની જાણ થતા સુનિલભાઇએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી આ કેસમાં બે સાગરીત વાલજી મકવાણા અને નજીર મલેકની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.