ગાંધીનગરના સરગાસણ ચાર રસ્તા નજીક આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સના એક ગેરેજમાં શનિવારે વહેલી સવારે એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવના કારણે આસપાસનાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં જોઈ જાનહાનિના સમાચાર નથી.
સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં અશોકભાઈ ઠાકોર ચામુંડા ગેરેજ નામની દુકાન ધરાવે છે. શનિવારે સવારે અશોકભાઈના ગેરેજમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. દુકાન બંધ હોવાથી ધુમાડાના ગોટેગોટા બહાર આવતા લોકોમાં દોડધામ મચી હતી. જોતેજોતા આગ બહાર આવી હતી. આસપાસના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા. દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.
ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. ગેરેજની દુકાનમાં ઓઇલ અને પેટ્રોલ પ્રવાહી હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગેરેજ અંદરનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થયો હતો.