રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારોની સીઝન શરૂ થતા પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની વિવિધ મિઠાઈની દુકાનોમાં દરોડા પાડીને મિઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મૂકવામાં આવ્યા હતા.
જોકે, મહત્વનું છે કે લેબનો રિપોર્ટ આવતા ઘણા દિવસો નીકળી જતો હોય છે આ દરમિયાન તમામ મિઠાઈનું વેચાણ પણ થઈ જાય છે અને લોકો એ મીઠાઈને આરોગી પણ લે છે. જો કોઈ મિઠાઈનું સેમ્પલ અયોગ્ય જણાય તો પછી શું? તે મોટો સવાલ છે.
આવનારા તહેવારોને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે આઠ ઝોનની અલગ-અલગ મિઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈઓના સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. જો કોઈ સેમ્પલ ફેલ થાય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદાર વેપારી સામે કડક પગલાં લેવામાં આવશે.
પરંતુ, મહત્ત્વનું એ છે કે લેબમાં મોકલેલ સેમ્પલની રિપોર્ટ આવવામાં ઘણો સમય લાગી જાય છે, આ દરમિયાન વેપારીઓ મીઠાઇનું વેચાણ પણ કરી દેતા હોય છે અને લોકો મીઠાઈ આરોગી પણ લેતા હોય છે. આથી જે હેતુંથી સેમ્પલ લેવામાં આવે છે તે હેતું પાર પડતો જ નથી. જો કઈ સેમ્પલનો રિપોર્ટ ફેલ થાય તો જવાબદાર વેપારીને દંડ તો કરવામાં આવે છે. પરંતુ, આ રિપોર્ટ આવતા પહેલા આવા વેપારીની મીઠાઇ લોકો આરોગી જતા હોય છે. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે જવાબદાર કોણ? ખરેખર લેબનો રિપોર્ટ જેટલો જલદી આવે તેટલું જ જનહિત માટે સારું છે.