આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા 6 થી વધુ ગામના ખેડૂતોએ શાકભાજી, કઠોળ, કેળા, પપૈયા,બ્લેક રાઈસ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબા પ્રેરિત માર્કેટયાર્ડ ઝંખવાવ ખાતે વેચાણના સ્ટોલ ઉભા કરી વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવા સૌપ્રથમ ખેડૂતોએ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો પડે છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ, જેમાં દેશી ગાયના ગોબર અને ગૌ મૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરી શકાય છે. આ પ્રાકૃતિક ખેતીના પંચમૃત જેવી કે જીવામૃત, બિજમૃત, આચ્છાદન વાફસા (ભેજ) સહજીવિપાક વગેરે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
હવે માંગરોળ તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઝંખવાવ માર્કેટ યાર્ડ ખાતે સ્ટોલ ઊભા કરી બજાર કિંમતે શાકભાજી, ફળ, અલગ અલગ પ્રકારના રાઈસના વેચાણની વ્યવસ્થા થતાં મોટી સંખ્યા માં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના સંચાલકો તેમજ ઇન્સ્પેકટર ઈલ્યાસ મલેક એ જણાવ્યું હતું કે આ પાકૃતિક ખેતીના સ્ટોલ ઝંખવાવ માર્કેટયાર્ડ માં હાટ બજાર દર ગુરુવારે લગાવવામાં આવશે. તથા આગામી સમયમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબા અને મોસાલી માર્કેટ યાર્ડ ખાતે ભરાતા હાટ બજારમાં પણ પ્રાકૃતિક ખેતી અંગેના સ્ટોલ લગાવવામાં આવશે અને ખેડૂતોને વેચાણ અંગેની તમામ સુવિધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબા દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક એન.જી.ગામીત, કિમ ફાર્મના સરોજબેન સાવલિયા, મ.ખેતી નિ. બાગાયત તા. અમલીકરણ માંગરોળ પુષ્પકાંત સ્વર્ણકાર, વિસ્તરણ અધિકારી ખેતી જયદીપભાઈ પુરોહિત, ઝંખવાવના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના ઇન્સ્પેકટર ઈલ્યાસ મલેક, કેયુરસિંહ અટોદરિયા તથા તાલુકા પંચાયત ખેતી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.