ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં આજરોજ કોલેજના આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવે અને અંગ્રેજી વિભાગના પ્રા.આર.આઈ.જૈનના માર્ગદર્શન હેઠળ ‘વસંત વિલાસ’ ફાગુ કૃતિ પર સેમિનાર તથા કવિ નર્મદની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.કલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અધ્યક્ષ પ્રા. રજનીકાંત જૈને ફાગુ અને લોકસાહિત્યની લોકપ્રિયતા વિશે વાત કરી હતી. વિદ્યાર્થી યુનિયનના ઉપાધ્યક્ષ પ્રા. આર.બી. સક્સેનાએ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાતી વિભાગના પ્રા.ભારતીબેન આચાર્યએ મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવ્યો હતો. ‘વસંતવિલાસ’ કૃતિ પર આધારિત આ સેમિનારમાં ડો.પ્રિતેશભાઈ કુમકિયાએ ‘ફાગુ’ સાહિત્ય સ્વરૂપનો પરિચય આપી કૃતિ સંદર્ભે વિષય પ્રવેશ કરાવ્યો હતો.
‘વસંતવિલાસ’કૃતિનો આસ્વાદ એમ.એ.ના વિદ્યાર્થી મિલન બારૈયા એ કરાવ્યો હતો. ડો.કલ્પનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આવા વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એ.ની વિદ્યાર્થીની દિપાલીએ કર્યું હતું.’વીર નર્મદ’ જન્મજયંતિ નિમિતે પ્રા. સંદિપભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તેમના જીવન કવન અને કાવ્યપઠન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. એમ.એ.ની વિદ્યાર્થીની ખ્યાતિએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાનથી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.