ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા અને આર્થિક સશક્તિકરણ માટે સાઈ બાબાના મંદિર પાસે, ઝાડેશ્વર ખાતે રાખીમેળા-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે.
રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટે આયોજિત ‘રાખીમેળા-૨૦૨૩’ને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર.જોષીએ ખૂલ્લો મૂક્યો હતો. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ ઉપરાંત રક્ષાબંધન તહેવારને લગતી ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા છે.
આ તકે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી અને જીલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામકએ રાખડીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કરી હતી.
રક્ષાબંધન પર્વ સબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ ઊભા કરાયા છે. ઝાડેશ્વર ખાતે આયોજિત મેળામાં ૫ જેટલા સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા સ્વ-ઉત્પાદિત રાખડી ઉપરાંત જ્વેલરી, તોરણ, રૂમાલ વગેરે અવનવી કલાત્મક વસ્તુઓની ખરીદી અને સ્વ-સહાય જૂથની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના ઉમદા હેતુથી ૨૮ ઓગસ્ટ સુધી રાખી મેળાઓનું આયોજન કરાયું છે.