ભરૂચ SOG એ અંકલેશ્વરમાંથી જોખમી કેમિકલ્સ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસીસ કંપનીના માલિક સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે.પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે SOG PI એ.એ.ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. બાતમી આધારે મહેસાણા ઓમ રોડલાઇન્સના માલિક કેતન પટેલનું ટેન્કર નંબર- GJ – 02 – AT – 0550 માંથી માનવજીવન અને જીવ સૃષ્ટીને નુક્શાન કારક કેમીકલ વેસ્ટ ભરી કોઈક જગ્યાએ ખાલી કરવા જતા રાજપીપળા ચોકડીથી પકડી પડાયું હતું.તપાસમાં ટેંકરમાં ભરેલ કેમીકલ વેસ્ટ અંકલેશ્વર GIDC માં આવેલ SPC લાઇફસાયંસીસ કંપનીમાંથી ભરેલ હોવાનું જણાઇ આવતા FSL તેમજ GPCB ના અધિકારી દ્વારા સેમ્પલ લેવડાવી અને ચકાસણી કરાવાઈ હતી. GPCB અધિકારીના પ્રાથમિક રીપોર્ટ મુજબ ટેંકરમાં એસીડીક પ્રવાહી હોવાનું અને ટેંકરમાં રહેલ પ્રવાહી અને SPC કંપનીના પ્લાન્ટ અને ટેંકમાંથી લિધેલ સેમ્પલ સામ્યતા ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું.
ડ્રાઇવર દ્વારા રજુ કરવામાં આવેલ બીલ તેમજ GPCB ની ઓનલાઇન વેબસાઇટમાં ચકાસતા ખોટી મેનિફેસ્ટ અને ખોટા બીલ હોવાનું ખુલ્યું હતું. ભરૂચ SOG એ વડોદરા સેવાસીના કંપનીના MD સ્નેહલ રાવજીભાઈ પટેલ, સમાના કંપનીના CEO જિમિશ શૈલેષભાઈ ગોહેલ અને જીતાલીના યુનિટ હેડ આકાશ ધનજીભાઈ કલાલની ધરપકડ કરી છે. જ્યારે મહેસાણા ઓમ રોડલાઇન્સના કેતન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરી અમદાવાદ નજીક નાળા કે ગટર માં બારોબાર નિકાલ કરતા હતા.