ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકામાં આવેલું કાવી-કંબોઇ ગુપ્તેશ્વર મહાદેવ નામથી ઓળખાતાં શિવલિંગ માટે પ્રસિધ્ધ છે. અરબી સમુદ્રના કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવની ગણના ભારત દેશના ગણ્યાં ગાંઠયાં ગુપ્તર્તીથમાં થાય છે. ગુજરાતના મીની સોમનાથ તરીકે સ્તંભેશ્વર તીર્થ જાણીતું છે.
વડોદરાથી 85 કિલોમીટર અને ભરૂચથી 80 કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી-કંબોઇ નજીક મહી નદી ખંભાતના અખાતમાં જઇને મળે છે. આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમારસ્કંદ દ્વારા શિવલીંગની સ્થાપના કરાઇ હતી. આ પૌરાણિક જગ્યા હાલમાં આસ્થાળુઓના કેન્દ્રસમી બની ગઇ છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા લાખો ભક્તજનો શિવલીંગ અને દરિયાદેવ વચ્ચેની લીલાના દર્શન કરી દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
પુનમ અને અમાસના દિવસે શ્રધ્ધા ધરી સ્તંભેશ્વરનું પૂજન-અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થઇ આશિષ આપે છે તેવી ધાર્મિક વાયકા છે. સ્કંધપૂરાણમાં જેનો ઉલ્લેખ થયો છે એજ સ્તંભેશ્વર શિવલીંગની આ કથા છે. પ્રયાગમાં 7 વખત,પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે. તે અહી એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેમ સ્કંદપુરાણ માં આલેખાયું છે.
સ્તંભતિર્થને શિવ-પાર્વતીના વરદાન મળ્યા છે. આ ગુપ્તતિર્થમાં અપનારંભના દિવસે, વિષુવવૃતની દક્ષિણમાં અને ઉત્તરમાં સૂર્યની ગતિના પ્રારંભના દિવસે, વિષુ યોગમાં, જ્યારે દિવસ – રાત્રી સરખા હોય ત્યારે, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ કાળમાં, પુનમ – અમાસ અને સંક્રાંતિ સમયે કોઇપણ મનુષ્ય સ્નાન કરી સ્તંભેશ્વર લીંગની પૂજા કરશે તેને પૃથ્વી ઉપર સ્થિત તિર્થોના દર્શન – પૂજનથી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. આ તિર્થ માત્ર ગુજરાત જ નહિ મહારાષ્ટ્ર, અને રાજસ્થાનના ભાવિકોમાં ખૂબ પ્રચલિત છે.
સોમવારી અમાસે અહીં મેળો ભરાય છે. ભક્તો દ્વારા દૂધ, દહીં, મધ, બિલ્વપત્ર ચઢાવી પૂજા-અર્ચન કરવામાં આવે છે. રાષ્ટ્રમાં ત્રણ ગુપ્ત શિવલીંગનો ઉલ્લેખ સ્કંધપૂરાણમાં છે. જેમાંનું એક સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે. જ્યારે બીજુ ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંબોઇ. જોકે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી. કંબોઇના શિવલીંગનો દોઢ દાયકા પહેલા જ બધાને ખ્યાલ આવ્યો. સ્વામી વિદ્યાનંદજી સ્તંભેશ્વર તિર્થનું જતન – સિંચન કરી રહ્યા છે.
સ્તંભેશ્વર તિર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે. કાર્તિકસ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો તેથી ‘વિજયક્ષેત્ર તથા ‘સ્કંધ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતાં બ્રહ્માજીએ નિમિત્તથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે ‘બ્રહ્મ ક્ષેત્ર તરીકે અને કપીલ મુનીએ તપોસિધ્ધી મેળવી એટલે ‘કપીલ ક્ષેત્ર કહેવાયું. બ્રહ્માજીના પુત્ર ‘ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું. કપીલમુની, યાજ્ઞવકલીય ઋષિ, દધીચીમુની પણ અહીં થઇ ગયાનું કહેવાય છે.
પરશુરામને ‘પરશુ અહીં મળ્યું હતું. દ્વારકા જતાં પહેલા અર્જુને આ તિર્થની મુલાકાત લઇ અહીંની મુશ્કેલીઓ દુર કરી હતી. આવું પૌરાણિક મહાત્મ્ય છે સ્તંભેશ્વર મહાદેવનું. દિવસમાં બે વાર સ્વયં દરિયાદેવ ભગવાન ભોળાનાથને જલાભિષેક કરી પોતાની આગોસમાં સમાવી લે છે. શ્રાવણ માસમાં આ તીર્થના દર્શનનો લાભ લેવા જેવો છે.
સાત નદીઓ સાબરમતી, હાથમતી, મેશ્વો, શેઢી, વાત્રક, ચંદ્રભાગા, મહીના સંગમ ર્તીથ એ સ્વયંમ્ પ્રગટ થયેલા શિવલિંગનું મહાત્મય સવિશેષ છે. દરિયા દેવ અહીં સામે ચાલીને દિવસમાં 2 વખત દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે. સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ર્તીથ ખાતે રાજય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાઇ છે. શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ખાતે લઘુરૂદ્ર, હોમાત્મક હવન, અભિષેક, વિશેષ પુજા સહિત ભજન-કર્તિન નિરંતર ચાલ્યા કરે છે.
દરિયામાં આવતી ભરતીના સમયે ભોળાનાથ શંભુ ભકતોથી દુર ઘોર ઉપાસનાની મુદ્રામાં આવી જતાં હોય તેમ શિવલિંગ દરિયાના પાણીમાં ગરકાવ થઇ જાય છે અને ઓટ થતાંની સાથે શિવલિંગ પુન: દ્રષ્ટિમાન થાય છે. કંબોઇ ખાતે સ્વામી વિદ્યાનંદજીનો આશ્રમ આવેલો છે જયાં ભોજન તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ છે.