‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના સમાપન પ્રસંગે માતૃભૂમિના વીરો અને દેશની માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતી આપનારા વીર જવાનો, આઝાદીના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પવા માટે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહીદ થનારા વીરોને યાદ કરીને રાજય અને રાષ્ટ્રને અગ્રેસર બનાવવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે ધારાસભ્યના હસ્તે ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સૌ લોકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા અંતર્ગત માટીના દીવા સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞા સૌએ લીધી હતી.‘શિલાફલકમ’ તકતી સાથે સેલ્ફી પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત ૭૫ વૃક્ષ વાવી અમૃતવાટીકાનુ નિર્માણ, અને કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ તકે કાર્યક્રમમાં મહામંત્રી દીપક વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદન બેન ગામીત, ઉપ પ્રમુખતૃપ્તિબેન મૈસુરિયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યસ્યો મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.