રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારુની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં ચિલોડા પોલીસે દારૂના જથ્થા સાથે એક બિનવારસી એમ્બ્યુલન્સ ઝડપી પાડી છે. રાજસ્થાન પાસિંગની આ એમ્બ્યુલન્સ છાલા ગામ પાસેથી ઝડપાઈ હતી. પોલીસે દારૂનો જથ્થો, એમ્બ્યુલન્સ સહિત કુલ 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે 15 મી ઓગસ્ટ હોવાથી ગાંધીનગરમાં ચિલોડા પોલીસે વિસ્તારમાં આવેલી વિવિધ હોટેલ અને ઢાબાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચિલોડાથી હિંમતનગર જતા હાઈવે પર છાલા ગામની સીમમાં આવેલા કન્ના માતાજી હોટલ, ઉદયપુર ઢાબા ખાતે પોલીસને એક એમ્બ્યુલન્સ બિનવારસી હાલાતમાં મળી આવી હતી. એમ્બ્યુલન્સની તપાસ કરતા પાછળના ભાગે સ્ટ્રેચર પર કોઈ દર્દી હોય તે પ્રકારે દારૂના ખોખા મૂકીને તેના પર કપડું ઢાંકેલું મળી આવ્યું હતું. જો કે, એમ્બ્યુલન્સમાં કોઈ પેશન્ટ કે ડ્રાઈવર મળ્યા નહોતા.
પોલીસે એમ્બ્યુલન્સનો દરવાજો ખોલીને કપડું હટાવીને જોયું તો તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની 13 પેટી કપડાંની આડમાં સંતાડી રાખેલી હતી, જેમાં વિદેશી દારૂની 156 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 68 હજાર જેટલી થાય છે. પોલીસે એમ્બ્યુલન્સ, દારૂનો જથ્થો મળી કુલ રૂ. 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એમ્બ્યુલન્સ તરીકે વપરાતી ગાડીના માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.