અમદાવાદમાં એક શખ્સે જ્વેલર્સની દુકાનમાં જઈને બંદૂક બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેનો આ પ્રયત્ન સફળ નહીં થતાં તેણે જાહેરમાં બંદૂક બતાવીને લોકોને ડરાવ્યા હતાં. તેણે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ શખ્સ સામે હત્યાનો પ્રયાસ, લૂંટનો પ્રયાસ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ફાયરિંગ કરનાર શખ્સ કોઈ અસામાજિક તત્વ કે લૂંટારો નહીં પણ આર્મી મેન હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગઇકાલે રાતના સમયે એક શખ્સ વૃંદાવન જવેલર્સ નામની દુકાનમાં ઘૂસી ગયો હતો.દુકાનના માલિકને બંદૂક બતાવી લુંટ કરવા પ્રયત્ન કર્યો હતો. દુકાન માલિકે પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા આ શખ્સ બહાર નીકળી ગયો હતો. પરંતુ લોકો આ શખ્સની પાછળ ભાગ્યા હતાં. આ શખ્સે લોકોથી બચવા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ શખ્સને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે જ્યારે આ શખ્સની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે આ શખ્સનું નામ લોકેન્દ્ર શેખાવત છે. તે ટેરીટોરિયલ આર્મીમાં ફરજ બજાવે છે અને તેની પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં છે. તે છેલ્લા એક મહિનાથી રજા પર છે. આરોપી પાસેથી આર્મીનું આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. લોકેન્દ્ર રાજસ્થાનમાં તેના માટે પિતા સાથે રહે છે. બેંકમાંથી લોન લીધી હોવાથી 10 થી 12 લાખ રૂપિયાની દેવું થઈ જતાં તેને લુંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લોકેશનના આધારે તે મણિનગર પહોંચ્યો હતો જ્યાં તે 2 દિવસ રોકાયો હતો અને મોકો મળતાં લુંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેમાં સફળતા ના મળતા તે ભાગવા ગયો પરંતુ લોકોએ તેને ઝડપી લીધો હતો. આ અંગે ઝોન -6 ડીસીપી રવી મોહન સૈનીએ મીડિયાને જણાવ્યું હતું કે આરોપીને જે વિગત જણાવી છે તે મામલે અમે આર્મી અધિકારીઓ સાથે વેરીફીકેશન કરાવીએ છીએ.