સુરતના નાના વરાછામાંથી ધોળા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે. પરિવાર હોસ્પિટલ ગયો ત્યારે તેમના બંધ મકાનમાં ઘૂસીને તસ્કરે રૂ. 2 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયો હતો. જો કે, ચોર સોસાયટીના સીસીટીવી કેમેરામાં ઝડપાયો છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના નાના વરાછામાં આવેલી અંબિકા વિજય સોસાયટીમાં રહેતો પરિવાર કોઈ કારણસર હોસ્પિટલ ગયો હતો. ત્યારે તેમનું મકાન બંધ હતુ. આ દરમિયાન એક ચોર બંધ ઘર જોઈ પાછળથી અંદર પ્રવેશ્યો હતો. ચોરે તિજોરીમાંથી રૂ. 2 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ફરાર થયો હતો. પરિવાર જ્યારે પાછો ઘરે પરત ફર્યો તો ઘરમાં સામાન વેર-વિખેર હતો અને તિજોરી પણ ખુલી હતી. તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી.
આ મામલે પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. માહિતી મુજબ, તસ્કર સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ સોસાયટીના એક અન્ય મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી. એક જ સોસાયટીમાં ચોરીની બીજી ઘટનાથી રહીશોમાં ચિંતા વધી છે.