સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે થોડા દિવસ પહેલા ખોટા આધાર પુરાવા સાથે સુરતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં નકલી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ ભારત આવ્યા બાદ બનાવી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે નકલી આધાર પુરાવા બનાવનાર આરોપીને પકડવા પોલીસની ટીમ કામે લાગી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાંગ્લાદેશી યુવકને ખોટા ડોક્યુમેન્ટસ બનાવી આપનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગત 12 જુલાઈ 2023 ના રોજ સુરતના ઉધના વિસ્તારમાંથી બાદમીને આધારે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી યુવક મોહમ્મદ રૂબેલ હુસેન ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી ખોટું ભારતીય નાગરિકતા ધરાવતા આધાર પુરાવા મળી આવ્યા હતા. જો કે, જે તે સમયે પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને સુરતમાં વસવાટ કરવા બદલ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી અને તેની પાસે રહેલા નકલી પુરાવા બાબતે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેને આ પુરાવા ભારતમાંથી જ બનાવી આપ્યા હોવાનું જણાવ્યું હતું.
પકડાયેલ મોહમ્મદ રૂબેલ હુસેન બાંગ્લાદેશના વતની અને ભારતીય નાગરિત્વ ધારણ માટે નકલી જન્મનો દાખલો બનાવ્યો હતો. તેની પૂછપરછમાં તેણે બનાવવામાં આવેલ નકલી જન્મનો દાખલો ઉત્તર પ્રદેશ ખાતેના બલરામપુર જિલ્લાના ગૌસાડી ગામ ખાતે બનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગામના સ્થાનિક નિવાસી જમશેદ આલમ અને નફીસ અહમદ પાસે બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં પહોંચી હતી. ગૌસડી ગામમાંથી નકલી આધાર પુરાવા બનાવી આપનાર જમશેદ આલમ ખાન અને નફીસ અહમદ પઠાણની ધરપકડ કરી સુરત લઈ આવી હતી.
પકડાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી જમશેદ આલમ ઉત્તર પ્રદેશના જમશેદપુર જિલ્લામાં રેવન્યુ એડવોકેટ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. તેણે અગાઉ પકડાયેલ આરોપી અખિલ અહમદ નુર ઇસ્લામ શેખ તરફથી જન્મનો દાખલો બનાવી આપવાની ઓફર મળી હતી. જેને લઇ મોહમ્મદ રૂબેલ હુસેનનો જન્મ નો દાખલો બનાવવામાં આવ્યો હતો. આ માટે તેણે વધુ રૂપિયાની માંગ પણ કરી હતી અને વધુ રૂપિયા મળતા જમશેદ આલમે નકલી જન્મનો દાખલો કઢાવવા જનસેવાને લગતા કામ કરતા તેના મિત્ર અનિશ અહેમદનો સંપર્ક કરીને કઢાવી આપ્યું હતો.