‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતનાં મહાનુભાવોનાં હસ્તે ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.
પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000 થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું. યાત્રાનાં માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયનાં પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે “મેરી મિટ્ટી, મેરા દેશ”, “હર ઘર તિરંગા” અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાત્રાના સમાપન પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી ભવ્ય તિરંગા યાત્રા પહેલા ક્યારેય સુરેન્દ્રનગરમાં નીકળી નથી. આ યાત્રાને જોવા માટે આખું સુરેન્દ્રનગર હિલોળે ચડ્યું હતું, જે અત્યંત હર્ષની વાત છે.