ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની ફોટોવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૨૨ મી જાન્યુઆરીથી તા. ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી હાથ ધરવામાં આવશે.
તદ્અનુસાર તા.૧/૧/૨૦૧૮ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં ફોટોવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧/૧/૨૦૧૮ રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારો તા.૨૨ મી જાન્યુઆરીથી તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકાશે. આ ઉપરાંત મતદાર યાદીમાં સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેર બદલ કરવા જેવી કામગીરી ઉપરાંત તા.૧/૧/૨૦૧૮ ના રોજ ૧૭ પ્લસ હોય તેવા ભવિષ્યના મતદારોની યાદી પણ તૈયાર કરાશે. આ કાર્યક્રમ દરમિયાન તા.૨૮/૧/૨૦૧૮ અને તા.૪/૨/૨૦૧૮ રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે શહેર-જિલ્લાના સંબંધિત તમામ મતદાન મથકો ખાતે સવારના ૧૦=૦૦ થી સાંજના પ=૦૦ વાગ્યા સુધી બીએલઓ દ્વારા હક્ક-દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. તેમજ મતદાન મથકે જઇ મતદાર પોતાનું તથા કુટુંબીજનોના નામ, ફોટો સહિતની વિગતો ચકાસી શકશે. મતદારયાદી સુધારણાને લગતી ઓનલાઇન અરજી www.ceo.gujarat.gov.in વેબસાઇટ મારફતે કરી શકાય છે અથવા તો મતદારયાદી સંબંધી માહિતી જાણવા હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ અથવા મોબાઇલ નંબર-૮૫૧૧૧૯૯૮૯૯ ઉપર EPIK<SPACE> આપનો ચૂંટણી કાર્ડ નંબર ટાઇપ કરી SMS કરીને પણ જાણી શકાય છે.
તા.૧ લી માર્ચ, ૨૦૧૮ સુધીમાં ડેટા એન્ટ્રી, ફોટો મર્જીંગ, સ્કેનીંગ તથા ચેકલીસ્ટ ચકાસણી-સહ-હક્ક-દાવા અને વાંધાઓનો નિકાલ કરવામાં આવશે અને તા.૭ મી માર્ચ, ૨૦૧૮ સુધીમાં ડેટા એન્ટ્રી, ફોટો મર્જીંગ તથા કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા અને પુરવણી યાદી તૈયાર કરી છાપકામ કરવામાં આવશે અને તા.૧૨ મી માર્ચ, ૨૦૧૮ ના રોજ ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે, જેની રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના નાગરિકો એ નોંધ લઇ ઉક્ત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવાયું છે