ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ખાસ કરી ભરૂચ-અંકલેશ્વરના માર્ગો ઉપર મનફાવે તેમ ગાડીઓ અને વાહનો પાર્ક થવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેવામાં હવે જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, જે બાદ અનેક વાહન ચાલકો દંડનીય કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે.
ભરૂચ – અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપી વાહન ચાલકોને પકડી પાડી તેઓ સામે દંડનીય કાર્યવાહી હાથધરી હતી, ટ્રાફિકના નિયમો વિરુદ્ધ રસ્તાની બાજુમાં જ અન્ય વાહનોને નડતર રૂપી બનનાર અનેક વાહન ચાલકો સામે છેલ્લા 24 કલાક દરમ્યાન વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો પર પોલીસે સપાટો બોલાવ્યો હતો.
ભરૂચના પાંચબત્તીથી સ્ટેશન માર્ગ અને કસક સર્કલ વિસ્તાર સહિતના વિસ્તારમાં પોલીસે રસ્તા પર નડતર રૂપી વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી તો બીજી તરફ અંકલેશ્વર ખાતે પણ શહેરી વિસ્તાર પોલીસે ટ્રાફિકના નિયમો નેવે મૂકી ફરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા.