સમગ્ર રાજ્યમાં ૭૪ મો વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે વન મહોત્સવના પ્રણેતા એવા ભરૂચ જિલ્લાના જ પનોતા પુત્ર સ્વ. ક.મા. જન્મભૂમિ પર જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી આજરોજ કલક કોમ્યુનીટી હોલ, માધવ ક્રિડાંગણ, જંબુસર ખાતે આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષપદે યોજાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી.આ વેળાએ શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત પ્રસ્તુતી કરાઈ હતી તથા આ પ્રસંગે મહાનુભાવોનું સફેદ ચંદનના રોપા થકી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડીડોરે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,દેશ જ્યારથી સ્વતંત્ર થયો ત્યારથી વર્ષ ૧૯૫૦ થી ભારતના પૂર્વ વનમંત્રી અને કૃષિમંત્રી સ્વ કનૈયલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમના જ જન્મ સ્થળ એવા ભરૂચ જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે હાજર રહેવું એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું, તેમ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ દૂરંદર્શી ભર્યા નિર્ણય લીધો હતો. તેમણે વન મહોત્સવ ઉજવણી માત્ર જ પાટનગર ગાંધીનગર પૂરતી ન રાખતા સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી.જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાના જંબુસરમાં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સૌ પ્રથમ અલાયદો કલાઈમેટ ચેન્જ વિભાગ ઉભો કરીને પર્યાવરણ જાળવણીના સ્તુત્ય પ્રયાસ દેશના વડાપ્રધાને કર્યા છે,તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી જી-ટ્વેન્ટી દેશોમાં ભારતને પ્રતિનિધિત્વ અવસર મળ્યો છે ત્યારે પ્રસંગના ચિહ્નમાં “એક પૃથ્વી, એક પરિવાર,એક ભવિષ્ય “સૂત્રને સાકાર કરવામાં વન મહોત્સવ ઉજવણી એક બહુમૂલ્ય પ્રદાન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ મંત્રી ડિંડોરે ભારતીય સંસ્કૃતિના વેદો અને ઉપનિષદોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું, મનુષ્ય અવતારમાં પાંચ પ્રકારના વૃક્ષોને ઉછેરવામાં આવે તો આપોઆપ મનુષ્યને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જેમાં આંબો, પીપળો, વડ, ખાખરો(પલાસ) અને તુલસીનો સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોને પથ્થર મારવામાં આવે તો પણ ફળો જ આપે છે.આમ, પ્રકૃતિમાં હંમેશા પરોપકારનો ગુણ રહેલો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વૃક્ષ સંપદાનું મહત્વ દર્શાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણાં વડવાઓ લાંબા આયુષ્ય ધરાવતા હતાં કેમ કે તેઓ પ્રકૃતિમાંથી મળતી ઔષધીઓનો દવા તરીકે ઉપયોગ કરતાં હતાં.જેને આજે આયુર્વૈદ શાખા તરીકે ઉદભવ થયો છે.જેમાં ગુજરાતમાં જ જામનગરમાં આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિને જીવંત કરી છે. આ વેળાએ મંત્રીએ કોરાના કાળમાં સમગ્ર વિશ્વ લાચાર બન્યું હતું તેવો સમય ફરીથી ન આવે તે માટે નાગરિક દીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ પણ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ગૌચર જમીનમાં જિલ્લાના વનવિભાગ દ્વારા કરવામાં આવેલ ખર્ચ બાદ કરી ૭૫ ટકા જેટલી રકમ ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો માટે ફાળવવામાં આવી હતી. આ વેળાએ તાલુકાના ત્રણ ગામોને ગામ વિકાસ માટે રૂ.૧૨.૦૪ લાખની આર્થિક ધન રાશિનો ચેક ગામના સરપંચ ઓ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનવિભાગની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ તથા કર્મચારીઓની પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણના વૃક્ષ રથનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા આભારવિધિ ઇન્ચાર્જ વન સંરક્ષણ બી પી ચારણએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા અગ્રણી મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય ડી કે સ્વામી, નાયબ વન સંરક્ષક નીરજ કુમાર, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.