જામનગર શહેરના નાગરીકોને સરળતાથી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ અને સારવાર મળી રહે એ માટે સરકાર ‘આભા કાર્ડ’ લાવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ હેલ્થ અને વેલ્નેસ સેન્ટર દ્વારા આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નાગરીકોએ આધાર કાર્ડ તથા આધાર કાર્ડ સાથે સંલગ્ન મોબાઇલ સાથે આરોગ્ય સેન્ટર ઉપર જવાનું રહેશે. સેન્ટર પર ઉપલબ્ધ કર્મચારી દ્વારા નેશનલ હેલ્થ ઓથોરિટીની લિંક અથવા એપ્લિકેશનમાં આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી દાખલ કરવા સહિતની પ્રક્રિયા કરી આપવામાં આવશે જેથી મોબાઈલ પર આભા કાર્ડ ડાઉનલોડ કરી શકાશે અને તેની પ્રિન્ટ કાઢી શકાશે.
આભા કાર્ડ ધરાવનાર વ્યક્તિને સારવાર માટે દરેક જગ્યાએ સાથે રીપોર્ટ કે સ્લીપ રાખવાની જરૂર નહી રહે. વ્યક્તિનાં બ્લડ ગ્રુપ, રોગ, દવાઓ – ડોક્ટર, રીપોર્ટ, પ્રિસ્ક્રીપ્શન સહિતની તમામ માહિતી આભા કાર્ડમાં સંગ્રહિત રહેશે. વધુ સુવિધા માટે આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ જોડવામાં આવશે. ઓનલાઇન સારવાર, ટેલિ મેડીસીન, ખાનગી ડોક્ટર, ઇફાર્મસી, પર્સનલ હેલ્થ રેકોર્ડ વગેરે તમામ મેડીકલ હિસ્ટ્રીનો ડેટા સંગ્રહિત રહેવાથી સારવાર – સ્વાસ્થ્ય સંબંધિત તમામ સેવાઓ સરળતાથી મળી રહેશે.
જામનગરમાં મહાનગરપાલિકાનાં દરેક આરોગ્ય કેન્દ્ર પરથી આભા કાર્ડ કાઢી આપવામાં આવે છે ઉપરાંત નાગરિકો વ્યક્તિગત રીતે પણ healthid.ndhm પરથી ઓનલાઇન પ્રક્રિયા કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા આભા કાર્ડ કઢાવવા જનતાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.