દહેગામની મહિલા બુટલેગર તેના ઘરમાં ચોર ખાનું બનાવીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ સંતાડી ત્યાંથી જ દારૂના વેચાણનું નેટવર્ક ચલાવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા દડો કરીને મહિલા બુટલેગરને પકડી તેના ઘરમાંથી ૧,૦૯,૧૯૫ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
દહેગામ પોલીસ પેટ્રોલિંગમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેગામ શહેરમાં લીમ્બચ માતાની ફળીમાં રહેતી વીણા ઉર્ફે ભાભી ભાવેશ ઉર્ફે ભાવસિંહ ઉર્ફે ભાવલો ઝાલા પોતાના રહેણાંક મકાનમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂ સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો કરતા મકાનની અંદર બેઠક રૂમથી આગળ જતા બાથરૃમ તથા બેઠકરૂમ વચ્ચે આવેલા દરવાજાની વચ્ચે ગ્રેનાઇટના પથ્થરથી દરવાજાની ઉપર ફ્રેમ બનાવી હતી. જે ફ્રેમ વારંવાર ખુલી હોવાનું જણાતા પોલીસ કર્મચારીઓએ ફ્રેમ ખોલવાનું કહેતા વીણાબેન ધક્કો મારી બાથરૂમ તરફ ખેંચતા તે ખુલી ગઈ હતી અને અંદરથી લાકડાનું પાટિયું બહાર નીકળ્યું હતું. જે ખેંચીને બહાર કાઢી બેઠક રૂમની બાજુમાં આવેલ સ્ટોર રૂમની અંદર પ્રવેશ કરતા તેમાં માળીયુ મળ્યું હતું અને તે ફનચરથી મઢાવેલ હતું. સીડી મારફતે માળિયાના ખાના ખોલતા માળીયાની અંદર વિદેશી દારૂ સંતાડેલો હતો. પોલીસે ૫૯૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૧,૦૯,૧૯૫ નો કબજે લઈને વીણા ઉર્ફે ભાભી ઝાલાની ધરપકડ કરી હતી જ્યારે આ કેસમાં રાજુ મારવાડી (રહે શામળાજી) વોન્ટેડ હોવાથી તેના વિરુદ્ધ પણ ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે. વીણા ઉર્ફે ભાભીને શામળાજીમાં રહેતો રાજુ મારવાડી દારૂનો માલ પહોંચાડતો હતો.