વડોદરાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગામમાં રહેતા અને દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધનું અવસાન થયું હતું. જો કે, ગામના એકમાત્ર સ્મશાનમાં વૃદ્ધનું અંતિમ સંસ્કાર કરતા લોકોને અન્ય ગ્રામજનોએ અટકાવ્યા હતા, જેથી વિવાદ સર્જાયો હતો. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે દલિત સમાજના લોકોને સ્મશાનથી દૂર અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ મામલે વડું પોલીસ સ્ટેશનમાં સરપંચના પતિ સહિત ગામના 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં 68 વર્ષીય કંચનભાઇ વણકરનું અવસાન થયું હતું. સમાજના લોકો આવી ગયા બાદ કંચનભાઈની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોના રોકકળ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા જ્યારે ગામના એકમાત્ર સ્મશાન ઘાટ પહોંચી ત્યારે ગામના સરપંચના પતિ સહિત અન્ય કેટલાક ગ્રામજનો ત્યાં આવ્યા હતા અને અંતિમ સંસ્કાર કરતા અટકાવ્યા હતા.
આથી દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો અને 15 કલાક સુધી અંતિમ સંસ્કાર થયા નહોતા. આ મામલે વડું પોલીસે પણ આવીને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમસંસ્કાર નહીં કરવા દેવા અડગ રહ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે સ્મશાનથી દૂર આવેલી ખુલ્લી જગ્યામાં અંતિમસંસ્કાર કરવાની ફરજ પાડી હતી. આ મામલે વડું પોલીસ સ્ટેશનમાં સરપંચના પતિ સહિત ગામના કુલ 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.