વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામની સીમમાં આવેલ હોરીઝન એસ્ટેટ પાસેથી ટેમ્પામાં ડોકટર ફિકસીટ પાઉડરની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ. 6,45,600/- નો વિદેશી દારૂ વડોદરા LCB એ ઝડપી પાડી ચાર ઇસમોની અટકાયત કરી જથ્થો મોકલનાર મંગાવનાર સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ટેમ્પો, બે કાર, ડોકટર ફિકસીટ પાઉડર તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.28,01,698/- નો કબ્જે કર્યો છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકા વિસ્તારમાં વડોદરા LCB પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા કંપનીની ટેમ્પો ગાડી નં. DD 01 H 9401 માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને ને.હા.48 ઉપર ભરૂચ તરફથી વડોદરા ખાતે તરફ આવી રહી છે. અને તેની પાછળ મહિન્દ્રા કંપનીની XUV કાર પાયલોટિંગ કરી રહી છે અને એક સિયાઝ કાર એસ્કોટિંગ કરી રહી છે. જેથી ઉપરોક્ત બાતમીના આધારે વડોદરા LCB ની ટીમ દ્વારા ખાત્રી કરતાં ત્રણેવ ગાડીઓ કરજણ પસાર થઈ ગયેલાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ તેનો પીછો કરતાં બામણગામ પાસે ગાડીઓને ઊભી રખાવવાનો પોલીસે પ્રયત્ન કરતાં ગાડીઓ બામણગામની સીમમાં આવેલ હોરિઝન એસ્ટેટ તરફ જતાં ત્રણેવ ગાડીઓનો પીછો કરી હોરીઝન એસ્ટેટમાં ડી માર્ટના ગોડાઉન નજીક રોકવામાં આવી હતી. જ્યાં ટેમ્પાનો ચાલક તેમજ મહિન્દ્રા XUV ગાડીનો ચાલક એમ બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે કુલ ચાર ઇસમોને પકડવામાં LCB ને સફળતા મળી હતી. દરમ્યાન સદર ઝડપાયેલ ઇસમોને નામ ઠામ પૂછતાં દિવ્યેશ ઘનશ્યામભાઈ પીઠવા રહે દેરોલ તા.વાઘરા, જૈનેશ મુકેશભાઈ પટેલ રહે. મિંગસપુરા, સુપર માર્કેટ પાસે ભરૂચ,સતપાલસિંહ ધ્યાનસિંગ સંઘુ તેમજ લખવિંદરસિંગ ભારતભૂષણ વાલિયા બંને રહે. હિંમતનગર ગુરુકુલ સ્કૂલની સામે ધનયાવી રોડ તરસાલી વડોદરા જણાવ્યું હતું. ત્યારબાદ ટેમ્પામાં ભરેલ માલસામાન બાબતે પુછતાં ગલ્લાટલાં કરતાં પોલીસે કડકાઈ વાપરતાં ટેમ્પામાં ડોકટર ફિકસીટ પાઉડરની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ તો પોલીસે વિવિધ બ્રાડની વિદેશી દારૂનો બોટલો તથા ટીન નંગ 3168 કિંમત રૂ. 6,45600/- કબ્જે કર્યો હતો. સાથે રૂ.10 લાખનો ટેમ્પો, રૂ.10 લાખની બે કાર , રૂ.1,26,098/- નો ડોકટર ફિકસીટ પાઉડર બેગ નંગ- 230 તેમજ રૂ.30 હજારના ત્રણ મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.28,01,698/- પોલીસે કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછમાં હિતેશભાઈ ઉર્ફે સોમાભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે.મેથી તા.કરજણ નાઓએ XUV અને સિયાઝ ગાડી લઈને ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પાનું પાયલોટીંગ કરી વડોદરા જવાનું કહ્યું હતું. આમ પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મંગાવનાર સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.