ભરૂચ શહેરમાં તાજેતરમાં જ વધતા જતા અકસ્માતોની ઘટનાઓ બાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઠેર ઠેર પોલીસે વાહન ચેકીંગ ડ્રાઇવ હાથધરી હતી તેમજ ચેકીંગ દરમ્યાન અનેક વાહનોને ટ્રાફિકના નિયમો વિરુદ્ધ હંકારવા બદલ દંડનીય કાર્યવાહીઓ પણ કરવામાં આવી હતી, જેમાં અનેક વાહનો પોલીસ વિભાગે ડિટેઇન પણ કર્યા હતા.
ભરૂચ શહેરના માર્ગો પર શાળા એ બાળકોને મુકવા અને લઈ જવા માટે અનેક ખાનગી વાહનોનો વાલીઓ સહારો લેતા હોય છે, પરંતુ આ સહારો જ કેટલાય પરિવારો માટે જોખમી બની શકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, રીક્ષા અને સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં બાળકોને ઘેટા બકરાની જેમ ચાલકો દ્વારા ભરવામાં આવી રહ્યા છે.
ભરૂચના માર્ગો પરથી પસાર થતા રીક્ષા ચાલકો અને વાન ચાલકો બાળકોને ખીચોખીચ ભરીને લટકવા મજબુર કરતા હોય છે, જ્યાં રીક્ષાના સાઈડ એન્ગલ પર બાળકો અને સ્કૂલ બેગો ભરવામાં આવે છે તો બીજી તરફ સ્કૂલ વાનના દરવાજા ખુલ્લા રાખીને પણ વધુ પ્રમાણમાં બાળકોને ડ્રાઇવરો દ્વારા ભરવામાં આવી રહ્યા છે જેને લઈ મોટી અકસ્માત દુર્ઘટના સર્જાઈ તેવા એધાંણ વર્તાઇ રહ્યા છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યાં એક તરફ શહેરમાં મસમોટા ખાડાનું સામ્રાજ્ય છે તો બીજી શાળા એ જતા બાળકોને જોખમી સવારી કરવા મજબુર બનવું પડતું હોય છે ત્યારે શહેરની શાળાઓ બહાર ટ્રાફિક નિયમોને નેવે મૂકી અને ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં બાળકોને જોખમી રીતે ભરતા ચાલકો સામે પોલીસ વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ યોજી તેઓને કાયદામાં પાઠ ભણાવવા જોઈએ તેવી લોક માંગ હાલ સામે આવેલા સ્કૂલ બાળકોની જોખમી સવારી બાદથી જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે.