જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા અરુણોદય સોસાયટી વાંકાનેર ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ને અનુલક્ષીને “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જિલ્લા કક્ષાના નારી જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયેના કાયદા તથા પ્રોટેક્શન ઓફિસરની ભૂમિકા વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશન મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. લગધીરકા દ્વારા મહિલા સામે થતા અત્યાચાર અન્વયે રક્ષણ માટે પોલીસની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી. વી. કાનાણી દ્વારા સ્ત્રી સશક્તિકરણ બાબતે દરેક સ્ત્રીને સહયોગી બનવા હાકલ કરી હતી.
જિલ્લા કક્ષાએ કાર્યરત ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા હબની કામગીરી વિષે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ “અભિયમ મહિલા હેલ્પલાઇન”, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, આઈ.સી.ડી.એસ., તાલુકા કાનૂની સેવા સતામંડળ વગેરે દ્વારા ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ સહભાગી બની હતી.