ભરૂચ શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર મસ મોટા ખાડા પડ્યા છે, શહેરના અનેક વિસ્તારમાં રસ્તા બિસ્માર બનતા વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન સ્થિતિનું નિર્માણ થયું છે, તેમ છતાં હાઇવે ઓથોરિટી અને પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કહેવાય રહ્યું છે.
ખાસ કરી વરસાદી માહોલ બાદ અંતરિયાળ રસ્તાઓ તો ઠીક પરંતુ કેટલાય મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા લોકોના માથાના દુખાવા સમાન બન્યા છે, ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખાડા પડ્યા છે, સતત લોકોથી ધમધમતા આ વિસ્તારમાં ખાડા પડવાના કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાયા હતા.
રસ્તા પર ખાડાના સામ્રાજ્યને લઈ વાહનોની ગતિ ધીમી પડતી હતી જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ પણ થતું હતું જે બાદ ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓએ આત્મનિર્ભર બની જેસીબી ની મદદ મેળવી રસ્તા પર પડેલા ખાડા પુરાવ્યા હતા.
પોલીસ ખાતાની વાહન ચાલકો પ્રત્યેની દરિયાદિલી જોઈ લોકો એ સોશિયલ મીડિયામાં તેઓની કામગીરીના વિડ્યો વાયરલ કરી તેઓની કામગીરીના વખાણ કરી સ્થાનિક હાઇવે ઓથોરિટી અને પાલિકાને આડે હાથ લીધી હતી.