મહુધાના અલીણા ગામે પતિએ પત્નીને ચા બનાવવાનું કહેતા પત્નીએ મારે નમાઝનો સમય હોવાથી નમાઝ પઢી પછી બનાવુ’ તેમ કહેતા મામલો બિચક્યો હતો. જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પત્નીને પતિ અને તેના સસરાએ માર માર્યો હતો. જેથી પત્નીએ પોતાના પતિ અને સસરા સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહુધા તાલુકાના અલીણા ગામે અચ્છાટોલા વિસ્તારમાં રહેતા સબાબાનુ માઈઝખાન પઠાણ ૨૮ મી જુલાઈના બપોરના સમયે તેમના પતિ માઈઝખાન પઠાણે સબાબાનુને કહ્યું કે, તુ મારા માટે ચા બનાવી દે, જોકે સબાબાનુએ જણાવ્યું કે, મારે નમાઝનો સમય હોવાથી નમાઝ પઢી લવ પછી ચા બનાવી આપું છું. તેમ કહેતા પતિ માઈઝખાન ઉશ્કેરાઈ ગયા હતા અને પત્નીને મનફાવે તેવુ બોલવા લાગ્યા હતા. તેમજ ગાળો બોલતા સબાબાનુએ પોતાના પતિને ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ ગરમાયો હતો. આક્રોશમાં આવેલા પતિએ પોતાની પત્ની સબાબાનુને લાકડી વડે માર માર્યો હતો. ઉપરાંત આ સબાબાનુના સસરા યાસીનખાન મહમદખાન પઠાણ આવતાં તેઓએ પોતાની પુત્રવધુને કહ્યું કે, ‘તું કેમ બુમા બુમ કરે છે અહીયા રહેવું હોય તો અવાજ કરવાનો નહી’ તેમ જણાવી સબાબાનુને ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવ બાદ સબાબાનુને શરીરે ઈજા થતાં તેઓએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ આ મામલે સમાધાનની વાત થઈ હતી પરંતુ સમાધાન ન થતાં અંતે સબાબાનુએ મહુધા પોલીસમાં પોતાના પતિ માઈઝખાન પઠાણ અને સસરા યાસીનખાન મહમદખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ