ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્નારા આયોજીત સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જંબુસરમાં નવનિર્મિત મકાનનું ‘‘લોકાર્પણ’’ રાજયકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ કુંવરજીભાઈ હળપતિ વરદ્હસ્તે યોજાયો હતો.
જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રિબિન કાપી, શ્રીફળ વધેરી અંદાજિત ૮.૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત મકાન અને તેના ફર્નીચરને પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોશીએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપી જિલ્લા વહીવટીતંત્ર દ્નારા આવકારી તમામનું સ્વાગત કર્યું હતું. દીપની જેમ આરોગ્યની સેવાઓ સતત પ્રજ્જલીત રહે તેવી પ્રાર્થના સાથે મંચસ્ત મહાનુભાનવોના હસ્તે દીપ પ્રાગ્ટય કરાયું અને મંચસ્ત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહ પ્રસંગે, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દીવસ આપણા માટે અનેરો બનવા જઈ રહ્યો છે. જેનું કારણ લાંબાગાળા બાદ અત્યાધુનિક હોસ્પિટલનું ‘‘લોકાર્પણ’’ થયું છે. રાષ્ટ્રને જો વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસીત રાષ્ટ્રના હરોળમાં લાવવું હોય તો બે સ્તંભને મજબૂત કરવામાં આવે તો જ વિકસીત રાષ્ટ્રની બની શકે. આ બે સ્તંભો પૈકી પહેલો સ્તંભ સ્વાસ્થ્ય તથા બિજો સ્તંભ શિક્ષણ છે. તેના જ કારણે આ બંન્ને ક્ષેત્રને વર્તમાન સરકારે વિશેષ પ્રાધાન્ય આપતા સંવેદનશીલ બનીને નાગરિકોનું જીવન સુખમય બને તે માટે અથાક પ્રયત્નો કર્યા છે.
“નમોને પસંદ એજ અમોને પસંદ, વાદ નહી વિવાદ નહી, આરોગ્ય સિવાય બીજી કોઈ વાત નહી ” એમ કહેતા, લાંબાગાળા બાદ આ વિસ્તારના લોકોના આરોગ્ય માટે અંદાજે ૮ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ બની છે. જેના થકી જંબુસર અને આમોદ તાલુકાના લોકોને ઘરઆંગણે લાભ મળશે. આપણી ગરવી ગુજરાતની ભુમિ ખરેખર પાવન અને પવિત્ર રહી છે. જેના કારણે જ ગુજરાતે અનેક મહાત્માઓ અને મહાપુરૂષ મળ્યા છે. ભગવાન કૃષ્ણ પણ મથુરા છોડી દ્નારકા નગરીમાં રહેવા આવ્યા, આપણા મહાત્મા ગાંધી પણ રાજકોટમાં જન્મ્યા અને ભારતને અંગ્રેજોને ગુલામીમાંથી આઝાદ કરવામાં સફળ રહ્યા. તેવા જ ગુજરાતના પનોતા પુત્ર અને દીર્ધદષ્ટાં નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને નવી દીશા આપી ભારતનું નામ વિશ્વફલક ઉપર પ્રખ્યાત બનાવ્યું છે.
આરોગ્યની વાત કરતા તેમણે નોધ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપણને આયુષ્યમાન કાર્ડની સગવડ આપી આરોગ્ય વિષયક ગેરંટી આપી છે. એટલે જ સંવેદનશિલ સરકારે આયુષ્યમાન કાર્ડની લિમીટ વધારીને રૂા. ૧૦ લાખ કરી દેવામાં આવી છે. તેમના જનહિતના નિર્ણયની આપણે સરાહના કરવી જ જોઈએ. વધુમાં તેમણે, કોરોના મહામારીમાં ગરીબોની ચિંતા કરતા આપણા દીર્ધદષ્ટાં નરેન્દ્ર ભાઈ મોદીની આગેવાની અને કુશળ કામગીરીના કારણે ભારતના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના પ્રતિરોધક રસી બનાવી તમામને વિનામુલ્યે રસીકરણની ભેટ આપી મોતના મુખમાંથી ઉગાર્યા હતા.
ગુજરાતે પ્રગતિની દોડ મૂકી છે. જેની દોડમાં ભરૂચ જિલ્લો પણ અગ્રેસર રહેતા એક્ષપ્રેસ વે બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટો હાલ પ્રગતિ હેઠળ છે. જેના નિર્માણ થકી ભરૂચ જિલ્લાનો વિકાસ ગગનને આંબશે. વધુમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શિક્ષણ અને આરોગ્યની ચિંતા છે. તેના જ કારણે અંદાજિત રૂ.૩૪૧૦ કરોજનું બજેટ તેમણે આ ક્ષેત્ર માટે આપ્યું છે. તેમણે ઉમેરતા ક્હ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં યુવાનો માટે આવનાર સમયમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવનાર છે. તે જ પ્રકારે વધુમા વધુ રોજગારી તમામને મળે તે હેતુથી આગોતરા પ્રયાસ કરીશું. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તથા જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામીએ પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જીલ્લા આરોગ્ય સિમિતી ચેરમેન આરતી પટેલ, જંબુસર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી, નગર પાલિકા પ્રમુખ અંજુબેન સિંધા, તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, આમોદ નગરપાલિકા પ્રમુખ આમોદ મહેશભાઈ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, પ્રાંત અધિકારી જંબુસર, મામલતદાર જંબુસર અને અન્ય અધિકારી તેમજ મોટી સંખ્યામાં નગરજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.