બેટી વધાવો, બેટી પઢાવોનો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઊજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ ખાતે સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાનાં માર્ગદર્શન અનુસાર વિરમગામ તાલુકાનાં તમામ આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 18 થી 24 જાન્યુઆરી સુધી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરીને બેટી વધાવો, બેટી પઢાવોનો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. કરકથલ ખાતે આયોજીત સંમેલનમાં સ્ત્રી-ભ્રુણ હત્યાનું દુષણ બંધ થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામનાં સુપરવાઈઝર કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકીયા, પ્રા.આ.કેન્દ્ર કરકથલનાં ડૉ.ધનશ્રી ઝવેરી, ડૉ.પ્રણીકા મોદી, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિકરો દિકરી એક સમાન જ છે. દિકરીને પણ જન્મવાનો અધિકાર છે. દિકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. આજની દિકરીઓ પણ દિકરા સમોવડી છે. દિકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દિકરીઓને બચાવવી જોઇએ અને દિકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ.
(વંદના વાસુકીયા)