વડોદરાના દામાપુરા ગામમાં બે દિવસ પહેલા એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં પરિણીતાએ પતિ અને સાસુ-સસરા સહિતના સાસરિયા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેના 3 વર્ષના બાળકને તેના પિતાના ઘરે રાખવા જણાવ્યું હતું. આ સંદર્ભે હવે પરિણીતાના પિતાએ જમાઈ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના દામાપુરા ગામમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પાયલે પતિ અને સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પાયલના પિતા રમેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે, તેમની દીકરી પાયલના લગ્ન વર્ષ 2018 માં દામાપુરા ગામમાં રહેતા પ્રફુલ સોલંકી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી બંનેને એક ત્રણ વર્ષનો દીકરો છે. છેલ્લા 2 વર્ષથી પાયલને પતિ, સાસુ દીનાબેન, સસરા બાબુભાઈ અને જેઠ ભાવેશભાઈ નાની નાની વાતમાં મેણા ટોણા મારતા હતા અને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.
જમાઈ પ્રફુલ સોલંકી જુગારના રવાડે ચઢ્યો હોવાથી તેણે પત્નીના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા અને વધુ પૈસા આપવા માટે હેરાન પરેશાન કરી મારઝૂડ કરતો હતો. દરમિયાન જ્યારે રમેશભાઈએ દીકરીને ફોન કર્યો તો જમાઈએ કહ્યું કે તે બેભાન થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં તબીબે તેણીને મૃત જાહેર કરી છે. આ મામલે પછી ખબર પડી કે પાયલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં પતિ, સાસુ-સસરા, જેઠ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. આ મામલે રમેશભાઈએ જમાઈ પ્રફુલ સોલંકી, સાસુ દીના સોલંકી, સસરા બાબુ સોલંકી અને જેઠ ભાવેશ સોલંકી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.