ભરૂચ -અંકલેશ્વર માર્ગ પર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો, બ્રિજ પરથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા લોકો અને રોંગ સાઇડથી પસાર થતા વાહનો અકસ્માતનું મુખ્ય કારણ બનતા આવ્યા છે, થોડા સમય અગાઉ પણ આ માર્ગ ઉપર ઉપરા છાપરી અનેક અકસ્માતના બનાવો બની ચુક્યા છે જેમાં કેટલાક લોકો એ જીવ ગુમાવ્યા હતા તો કેટલાય લોકો સારવાર લેવા મજબુર બન્યા હતા.
ભરૂચ -અંકલેશ્વર માર્ગ પર એકા એક અકસ્માતોનું પ્રમાણ વધતા જિલ્લા કલેકટર તેમજ પોલીસ વડાએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ બ્રિજ અને નેશનલ હાઇવે 8 ઉપર થી પસાર થતા વાહન ચાલકો માટે સ્પીડ લિમિટ જાહેર કરવામાં આવી હતી સાથે સાથે સ્પીડ મેપ ગન સાથે ઓવર સ્પીડ આવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
આજરોજ ભરૂચ અંકલેશ્વર માર્ગ વચ્ચે છાપરા પાટિયા વિસ્તારમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો હતો, જેમાં ઓવર સ્પીડમાં આવતા વાહન ચાલકો તેમજ રોંગ સાઇડ હંકારતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.