સુરતમાં લોકોને જાણે પોલીસ અને કાયદાનો ભય જ ન હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાંથી જાહેર માર્ગ પર વાહનો સાથે સ્ટંટ કરતા લોકોના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના ડુમસ-પીપલોદ રોડ પર એક લક્ઝુરિયસ કાર પર બેસીને જોખમી રીતે સ્ટંટ કરવા મામલે ઉમરા પોલીસે બે સગા ભાઈની ધરપકડ કરી તેમને કાયદાનો ભાન કરાવ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર જાહેર માર્ગ પર કાર સાથે સ્ટંટ કરતા બે વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો, જે સુરતના ડુમસ-પીપલોદ રોડ પરનો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ લક્ઝુરિયસ કાર પર બેસીને જોખમી રીતે સ્ટંટ કરે છે. જ્યારે અન્ય એક શખ્સ પૂરઝડપે કાર ચલાવી રહ્યો છે. તેમની આ હરકતને પાછળ આવતા વાહનચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. આ વીડિયો વાયરલ થતા ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે કાર પર બેસનારા અને કાર ચલાવનારા બે સગા ભાઈ 29 વર્ષીય અઝહર શેખ અને તેનો ભાઈ 30 વર્ષીય એઝાઝ શેખની ધરપકડ કરી કાર કબજે કરી હતી. પોલીસે મર્સિડીઝ કારના નંબર આધારે તપાસ કરી બંને ભાઈ સુધી પહોંચી હતી. આ કેસમાં ઉમરા પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી છે કે પોલીસે બંને ભાઈઓ પાસે માફી પણ મંગાવી હતી.