આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યના કાજે અ સત્ય સામે દસ દસ દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન ર.અ હજરત ઇમામ હુસેન ર.અ તથા તેમના જાંબાઝ સાથીઓની યાદ માં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઇ રહી છે.
ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હશન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે, ત્યારે યા હુસેન….ના નારા વચ્ચે શહેરના કતોપોર બજાર, દરવાજા, ફાટાતળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં ૩૫ થી વધુ તાજીયાઓનું ઝુલુસ મોહરમ પર્વના ૯ માં અને ૧૦ માં ચાંદના રોજ કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાય છે, તેમજ શહેરમાં ઠેરઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ કોલડ્રિન્ક સહિતની નિયાઝનું વિતરણ પણ ખાસ કરવામાં આવે છે.
મોહરમ પર્વ નિમિત્તે મસ્જીદોમાં પણ ખાસ બયાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો કેટલાય લોકો આ દિવસે રોજા રાખી બંદગી પણ કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ મનાવવા આવ્યો હતો.