ખેડા જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં શરદી,ખાંસી, તાવ અને આંખોઆવવાના કેસમાં
ઉછાળો આવ્યો છે. તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩ અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા છે. આ રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે વધારી દેવામાં આવ્યો છે. આ રોગચાળાને લઇને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના દવાખાનામાં દર્દીઓની ભીડ વધી ગઇ છે. ખેડા જિલ્લા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૮૩૪૦ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન તાવ, શરદી ઉધરસ અને આંખો
આવવાના કેસ વધુ મળી આવ્યા હતો. જેમાં ઝાડાના ૪૪, શરદી-ખાંસીના ૩૯૦, તાવના ૬૫૯ અને આંખો આવવાના કેસ ૧૦૮૩ નોંધાયા છે. જેમાં આંખો આવવાના કન્ઝેકટિવાઇટીસ કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. આ રોગ ચેપી છે. બુધવારે વસોમાં તાલુકા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ કન્ઝેકટિવાઇટીસ રોગ તાલુકામાં વધુ ન ફેલાય તેના માટે તાલુકામાં આરોગ્ય વિભાગને તકેદારી રાખવાની સુચના આપવામાં આવી હતી. સૌથી વધુ વસો તાલુકામાં આંખો આવવાના ૨૬૩ કેસ નોંધાયા છે. બીજા નંબરે નડિયાદમાં આંખ આવવાના
૨૨૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બ્લડ સેમ્પલ ૬૫૯ લેવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ