ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીના જળમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે.બી મોદી પાર્ક ખાતે કૃત્રિમ તળાવમાં, દશાશ્વમેઘ ઘાટ, નીલકંઠેેશ્વર મહાદેવ મંદિર તથા ગોલ્ડન બ્રિજ નજીક શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
મા દશામાના વ્રતનું બુધવારે રાત્રે જાગરણ સાથે સમાપન થયું હતું. 10 દિવસ સુધી લોકોએ મા દશામાની પૂજા અર્ચના કરી તેમના શુભાષિશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે વ્રતના અંતિમ દિવસે ભકતોએ જાગરણ મનાવી હતી. ભરૂચ- અંકલેશ્વરમાં મોડી રાતથી માતાજીની પ્રતિમાઓના વિસર્જનની સીલસીલો શરૂ થયો હતો. વિવિધ વિસ્તારોમાંથી ભકતો હાથમાં માતાજીની પ્રતિમાઓને લઇ નર્મદા નદીના કિનારે પહોંચ્યાં હતાં.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તથા ગોલ્ડનબ્રિજ અને જે.બી મોદી પાર્ક કુત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. નર્મદા નદીના કિનારે ભકતોએ માતાજીની અંતિમ આરતી ઉતારીને વિદાય આપી હતી. નદીના જળમાં પ્રતિમાઓના વિસર્જનની સાથે 10 દિવસના દશામાના વ્રતનું સમાપન થયું હતું. વિસર્જનના પગલે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવા સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.