(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજપીપળા પોલીસે CCTV ફૂટેજ ને આધારે 4 લોકો વિરુધ્ધ નામજોગ અને અન્ય 5 અજાણ્યા લોકો વિરુદ્ધ આદિવાસી સંમેલનમાં વનમંત્રી ગણપત વસાવા પર પથ્થરમારો કરવા બદલ ગુનો નોંધ્યો.
રાજપીપળામાં 13,14 અને 15 જાન્યુઆરીએ ત્રણ દિવસનું આંતરરાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાયું હતું.જેમાં દેશના વિવિધ 20 રાજ્યો અને 7 થી 8 દેશોમાંથી આદિવાસીઓ અને બિન આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.જેમાં 14મી જાન્યુઆરીએ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના વનમંત્રી ગણપત વસાવા હાજરી આપવા આવ્યા હતા.એમા હાજર લોકોએ એમનો વિરોધ કરી હુરિયો બોલાવતા ગણપત વસાવાએ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવાની ફરજ પડી હતી.દરમિયાન એમની સરકારી ગાડી પર પથ્થરમારો થયો હતો જેમાં એમની ગાડીનો કાચ તૂટી ગયો હતો અને અમુક પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા હતા.આ બનાવમાં વનમંત્રી ગણપત વસાવા પર એમના જ માંગરોલ મતવિસ્તારના લોકોએ હુમલો કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રાજપીપળા પોલિસે આ મામલે સભા સ્થળ પર રહેલા CCTV ફુટેજને આધારે સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના બોરસદ ગામના સતીશ બિપિન ગામીત,મોટ ફળી ગામના વાસુદેવ પી વસાવા,ઝાકરડા ગામના પિન્ટુ કાલુ વસાવા તથા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમારીયા ગામના અજિત અરવિંદ સહિત અન્ય 5 થી 10 અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.હાલ નર્મદા એલસીબી દ્વારા ગુનેગારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગણપત વસાવા પર હુમલાના બનાવમાં એમના જ મત વિસ્તારના માંગરોલ તાલુકાના લોકોના નામો બહાર આવતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
Advertisement